પહેરીએ સાડી તો કમર જોવાય છે,
ને જીન્સમાં વળી ફીગર મપાય છે;
મીની સ્કર્ટમાં તો ટાંગે ડોકાય છે,
અહીં સ્ત્રીઓને ક્યાં આદર અપાય છે?
બે વર્ષની બાળકી પર બળાત્કાર થાય છે,
ને સાંઠ વર્ષના માજીને વળી ક્યાં મૂકાય છે;
પળે પળે અહીં તો શિયળ ચૂંથાય છે,
અહીં સ્ત્રીઓને ક્યાં આદર અપાય છે?
કરીએ વાતો તો બોલ્ડ કહેવાય છે,
ને રહીએ ચુપ તો વળી મૂંઢ કહેવાય છે;
શાણા – શાણપણની તો અલગ જ વ્યાખ્યા અપાય છે,
અહીં સ્ત્રીઓને ક્યાં આદર અપાય છે?
છુપાવી કાનૂનથી તો સોદા થાય છે,
ને દેશમાં જ નહીં વળી દેશબહાર પણ વહેંચાય છે;
મન મુજબનાં ભાવે કોમળ કાયા ખરીદાય છે,
અહીં સ્ત્રીઓને ક્યાં આદર અપાય છે?
મત મુજબ પોતાના અહીં આકાર અપાય છે,
ને શરીર જ નહીં અહીં તો આત્મા પણ રૂંધાય છે;
સ્ત્રીઓને “એન્જલ” નહીં વસ્તુ જ તો સમજાય છે,
અહીં સ્ત્રીઓને ક્યાં આદર અપાય છે?
આરતી રામાણી “એન્જલ”