વાળ.. – તુષાર શુક્લ

૧૯૬૫-૭૦
વાળ..
ત્યારે આજ જેટલાં મહિમાવંત ન્હોતાં.
વાળ ઓળ્યા વગર જ રમવા જવાનું સહજ હતું.
પગ પણ ખુલ્લા હતા ત્યારે.
નિશાળે જતાં પહેલાં કાંસકો ફેરવતા
પણ પછી પહેલી રિસેસ પછી
એ એના અસલ રુપમાં આવી જતા.
નિશાળેથી ઘેર જતાં કોઇ જૂવે તો એમ જ માને કે અમને ઘાણીએ જોડ્યા હશે નિશાળમાં.

જાહેરાતમાં તો હમણા આવે છે
અમને તો ત્યારેય ખબર હતી કે
दाग अच्छे हैं ।
એ વખતે સફેદ બુશર્ટનું સફેદ હોવું કે રહેવું
બહુ ગૌરવપ્રદ ન્હોતું.
એકાદ બટન તૂટે
ખિસ્સા પાસેથી ફાટે
નિશાળનો સિક્કો લટકે
તેલ માટીના ડાઘા પડે !

તેલ વાંચીને નવાઇ લાગી ?
સાહેબ , ત્યારે વાળમાં તેલ નાખતા !
કોઇ સંપન્ન હોય તે સુગંધી તેલ નાખે
બાકી બધાં ઘેર પાડેલું
બ્રાહ્મી આમલા .
એના પેકેટમાં એક કાગળ રહેતો
હસતી બીબી રોતી બીબી
એક જ ચ્હેરો
પણ ઊંધો કરો તો બદલાઇ જાય
તેલ નાખો તો વાળ સારા રહેશે
તમે હસતા રહેશો
નહીં નાખો તો….રોતી બીબી !
એ કાગળ મેળવવા ભાઇ બહેન લડતાં.
આ તેલ બને ત્યારે ઘરમાં ગંધ ગંધ.
ઠંડુ પડે પછી નાંખવાનું.
મમ્મી તેલ નાખી આપે.
ન માનો તો ગોઠણ વચ્ચે દબાવીને ય નાખે.
તેલના રેગાડા ઉતરે.
વાળ ધોવાના શનિવારે.
વાંકડિયા વાળ એટલે ગૂંચવાય.
મમ્મી કાંસકીથી ગૂંચ કાઢે.
એ સમયે કોઇના માથેથી
આપણા વાળમાં જૂ લીખ પણ પડે.
મમ્મી એને આંગળી અંગૂઠાથી કાઢે.
કાંસકી ને કાંસકો હતા
હેરબ્રશ નહોતા.
વાળ ખેંચાય , દુ:ખે, રડવું આવે.
મમ્મી વ્હાલ પણ કરે ને વઢે પણ ખરી.
કોના વાળમાંથી જૂ લીખ આવ્યા
એની ચર્ચા પણ થાય.

નોકરિયાત મમ્મી સમય કાઢીને ગૂંચ ઉકેલતી.
મારા હેરડ્રેસરે
એક પ્રવાહીનાં બે જ ટીપાં મારા વાળમાં નાખીને
જાદૂ બતાવ્યો ,
ગૂંચ ગૂમ !

ગૂંચ પડે. ગૂંચ પાડીએ.
ગૂંચવાઇએ એટલે રડવુંય આવે.
હવે મમ્મી નથી.
વાળમાં નાખવાના આ સોલ્યુશનથી
ગૂંચ તો સોલ્વ થાય છે
આવું કૈં સોલ્યુશન જીવન માટે મળે ?

– તુષાર શુક્લ