અંદાજે 80 કરોડ લોકોને વિનામૂલ્યે ખાદ્યાન્ન અને દાળનો જથ્થો પૂરો પાડવાની ભારત સરકારની મહાકવાયત

કોરોનાને કાબુમાં લેવા દેશભરમાં તબક્કાવાર ચાર લોકડાઉન અમલમાં આવી ચૂક્યા છે. અને પાંચમા લોકડાઉનમાં મોટાભાગના પ્રતિબંધોને હટાવી અનલોક-1ના નામ સાથે નિયમોના પાલન સાથે જનજીવનને થાળે પાડવાનો પ્રયાસ શરુ કરી દેવાયો છે. પ્રથમ ચાર લોકડાઉનના સમયમાં દેશભરમાં લગભગ ઘણું બધુ બંધ રહ્યું છે. પરંતુ આ સયમગાળા દરમિયાન સરકારની યોજનાઓ અને તેના દ્વારા મળતી સહાય સતત ચાલુ રહી છે. ગરીબ અને નાના મધ્યમવર્ગના લોકોના કામકાજ બંધ હોવાથી આવા પરિવારોને ભરણપોષણ ચલાવવું મુશ્કેલ બન્યુ હતું તેવા સમયે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા અન્ન યોજનાનું અમલીકરણ કરાવી વિનામૂલ્યે અન્ન વિતરણની કામગીરી કરવામાં આવી છે. આ સમયગાળામાં દેશમાં અંદાજે 80 કરોડ લોકોને વિનામૂલ્યે ખાદ્યાન્ન અને દાળનો  જથ્થો પૂરો પાડવાની મહાકવાયત ભારત સરકારે કરી છે. જે ખરેખર સરાહનીય રહી છે. અન્ન વિતરણમાં ખાદ્યાન્નની અછત ન ઉભી થાય તે માટે આ સમયગાળામાં ભારત સરકારે સતત ખાદ્યાન્નની ખરીદી પણ ચાલુ રાખી છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો,ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જાહેર કરેલ માહિતી મુજબ પરિસ્થિતિને પહોંચી વળવા એફસીઆઇએ એટલે કે ભારતીય ખાદ્ય નિગમે પહેલેથી જ ઘઉં અને ચોખા સહિતના ખાદ્યાન્નથી 2641 રેક જથ્થો લોડ કરી દીધો હતો. અને અંદાજે 73.95 લાખ મેટ્રીક ટન કુલ જથ્થો લોડ કરી દેવામાં આવ્યો હતો. જેમાં 55.38 લાખ મેટ્રીક ટન ચોખા અને 18.57 લાખ મેટ્રીક ટન ઘઉંનો સમાવેશ થાય છે. જે ભારતીય ખાદ્ય નિગમ દ્વારા અત્યાર સુધીમાં  સંગ્રહ કરાયેલા સર્વાધિક જથ્થાનો વિક્રમ છે.

ખાદ્યાન્નના આ જથ્થાનો ઉપયોગ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ શરુ કરેલ અન્ન યોજનામાં દેશના જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે અન્ન વિતરણ કરીને કરવામાં આવ્યો છે. ત્રણ મહિના સુધી આ ખાદ્યાન્નનું વિનામૂલ્યે વિતરણ કરવાની આ કવાયતમાં દેશના 19.50 કરોડ પરિવારોને દર મહિને 1 કિલો કઠોળનું જેમાં ચણા કે કોઇ દાળનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. દેશના વિવિધ રાજ્યોમાં અન્ન વિતરણની વ્યવસ્થા નિયમો અનુસાર કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ અન્ન યોજનાના નિયમોને અનુસરીને લોકડાઉનમાં દર્શાવેલ માર્ગદર્શિકાના નિયમોનું પણ પાલન કરીને લાભાર્થીઓને અન્ન વિતરણ કરવામાં આવ્યુ છે.

રાજ્યના ભાવનગર જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના NFSA અને  NON NFSA BPL  કેટગરીના કુલ 3,49,826 કાર્ડધારકોને એપ્રિલ મહિના બાદ મે મહિનામાં પણ વિનામૂલ્યે અન્નવિતરણની કામગીરી કરવામાં આવી છે. જેમાં 28 મે સુધીમાં જિલ્લાના 3,26,496 રેશનકાર્ડ ધારકો કે જેમાં 16,45,990 લોકોનો સમાવેશ થાય છે તેમને વિનામૂલ્યે અન્ન વિતરણનો લાભ મળી ચૂક્યો છે.

લાભાર્થી મીરાબેન વિશાલભાઇ ચૌહાણ

અન્ન વિતરણમાં  મળી રહેલ અનાજની ગુણવત્તા અને તેના પૂરતા જથ્થાથી સંતુષ્ઠ લાભાર્થીઓ સરકારની આ યોજનાની સરાહના પણ કરે છે. ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતા મીરાબેન વિશાલભાઇ ચૌહાણે અમારા પીઆબીના પ્રતિનિધિને જણાવ્યું કે મે મહિનામાં પણ તેમને વિનામૂલ્યે પૂરતું અનાજ ભારત સરકારની અન્ન યોજના હેઠળ પ્રાપ્ત થયું છે. જે બદલ તેઓ ભારત સરકારનો આભાર માને છે.

લાભાર્થી સહદેવસિંહ સરવૈયા

ભાવનગરમાં રહેતા સહદેવસિંહ સરવૈયાએ અમારા પીઆઇબીના પ્રતિનિધિને જણાવ્યું કે લોકડાઉનમાં રોજગાર બંધ થતાં રોટલો રળવો મુશ્કેલ થઇ ગયો હોય તેવા અનેક પરિવારોને ભારત સરકારની આ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ પ્રાપ્ત થયું છે. મને પણ મે મહિનામાં  અનાજનો પૂરો જથ્તો પ્રાપ્ત થયો છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના ખરેખર અમારા જેવા પરિવારો માટેની કલ્યાણકારી યોજના છે. આ યોજના શરુ કરવા બદલ ભારત સરકારનો ખૂબખૂબ આભાર.

લાભાર્થી રાહુલભાઇ પોપટભાઇ ચાવડા

ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતાં રાહુલભાઇ પોપટભાઇ ચાવડાએ અમારા પ્રતિનિધિને જણાવ્યું કે અન્ન વિતરણની કામગીરી ખરેખર પ્રશંશનીય છે. વિનામૂલ્યે મળી રહેલ અનાજની ગુણવત્તા પણ સારી છે. ભારત સરકારની અન્ન યોજના હેઠળ મળી રહેલ અન્ન સહાય અને તેની કામગીરી ખરેખર સરાહનીય છે. જેના માટે ભારત સરકારનો આભાર.

લાભાર્થીઓની સંતુષ્ટિ એ જ સરકારની યોજનાની સફળતા દર્શાવી રહી છે. હવે જ્યારે લોકડાઉન ના ચાર તબક્કા પૂરા થયા છે. અને દેશમાં ફરીથી જનજીવન થાળે પડે તે દિશામાં સરકારની માર્ગદર્શિકા અનુસાર કાર્યવાહી આગળ વધી રહી છે. ત્યારે બંધના સમયગાળામાં ભારત સરકારે વિવિધ કલ્યાણકારી યોજનાઓથી ગરીબ અને નાના મધ્યમવર્ગીય પરિવારોની સમસ્યાઓનું નિરાકણ પણ લાવ્યું છે. જેમાં અન્ન યોજના પ્રમુખ સ્થાને રહી છે.