માહિતીને જ્ઞાન સમજવાની ભૂલ ન કરીયે

જ્ઞાન એ માત્ર માહિતી નથી, એનાથી કંઈક વિશેષ છે. પરંતુ આજનો સમાજ વ્યર્થ માહિતીને જ્ઞાન સમજી બેઠો છે અને કોઈપણ અનીતિમય રસ્તા દ્વારા તે મેળવવાનો પ્રયત્ન કર્યા કરે છે. જ્ઞાન એટલે માત્ર ડીગ્રી સર્ટીફીકેટ નહીં. જે ગમે તેવા અયોગ્ય રસ્તા દ્વારા મેળવી શકાય. આમ તો શિક્ષણ વ્યવસ્થા (શાળા-કોલેજો) મનુષ્યને જ્ઞાન પીરસનારી સંસ્થાઓ છે. પરંતુ આજકાલ તે માત્ર માહિતી પીરસી રહી છે. આપણને કેવા જ્ઞાનની કે વિદ્યાની જરૂર છે, તે સમજવું અતિ આવશ્યક છે. સાચું જ્ઞાન જીવન ઉત્તમ રીતે જીવવાના પાઠ શીખવે છે. જ્ઞાન એ કોઈ શુષ્ક, બોઝિલ, કંટાળાજનક આંકડાબાજી કે વિજ્ઞાનનો કોયડો નથી. જ્ઞાન મીઠા જળની વિરડી છે, પરમશાંતિ અને પરમવિશ્રામ છે. આત્મવિશ્વાસની અનંત ધારા છે. જ્ઞાન સહજ, સરળ અને સ્વયંસ્પષ્ટ છે. પશ્ચિમનો જગત જ્ઞાનને જે રીતે જુએ છે તેનાથી થોડી જુદી રીતે પૂર્વનું જગત જોવે છે. પૂર્વના જગતમાં જ્ઞાન એક વિશિષ્ટ અને અસામાન્ય સમજણ કે માહિતી છે. જે જીવને મોક્ષ પ્રાપ્તિ સુધી લઈ જઈ શકે છે. અધૂરું જ્ઞાન મૃત્યુનું કારણ બને છે, જેનું ઉદાહરણ અભિમન્યુ છે. ખોટા માર્ગે પ્રાપ્ત કરેલી વિદ્યા ગમે તેવી નિષ્ઠા અને ઉચ્ચ ચારિત્ર્ય હોવા છતાં ફળતી નથી જેનું દ્રષ્ટાંત કર્ણ છે. સંકલ્પ, શક્તિ, સ્વાધ્યાય અને એકાગ્રતાનું નામ જ શ્રેષ્ઠ વિદ્યા છે. જે એકલવ્યએ એકલે હાથે સિદ્ધ કરી આપ્યું છે. જ્ઞાનનો અર્થ છે જાણવું. હિન્દુધર્મમાં એટલે જ જ્ઞાનના મુખ્ય સ્ત્રોત તરીકે વેદો છે. વેદોનો અર્થ પણ થાય છે જ્ઞાન અથવા જાણવું. કેમકે જાણ્યા વગર એટલે કે જ્ઞાનપ્રાપ્તિ વગર મનુષ્ય જીવનના તમામ પુરુષાર્થમાં (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ) સફળતા મળવી લગભગ અશક્ય છે. જેથી ધર્મનો મુખ્ય પાયો જ જ્ઞાન છે, જેના વગર ના તો મનુષ્ય જીવન સફળ થઈ શકે કે ના તો સમાજની યોગ્ય રચના. એટલા માટે જ તો ઈશ્વરે દરેક જીવને ઇન્દ્રિયોની ભેટ આપી છે જેના દ્વારા દરેક જીવ જ્ઞાનપ્રાપ્તિ કરી શકે અને ધીરે-ધીરે પોતાની શક્તિ અનુસાર ધ્યેય હાંસલ કરી શકે. મનુષ્ય પોતાની પાંચેય ઈન્દ્રિયો દ્વારા એટલે કે શબ્દ, સ્પર્શ, ગંધ, રંગ (દર્શન) અને સ્વાદ દ્વારા જીવનપર્યંત જ્ઞાન મેળવતો જ રહે છે.

પરંતુ ઘણીવાર પ્રશ્ન એ થાય છે કે જ્ઞાન એટલે શું? જ્ઞાન અને માહિતીમાં શું તફાવત છે? .

“જ્ઞાનનો સૌથી સામાન્ય અર્થ છે જાણવું પરંતુ વાસ્તવમાં જ્ઞાન સમજણનું એક અતિ ઉચ્ચ સ્તર છે, જ્યાં જીવનની દરેક પીડાઓનો અંત આવે છે.”
“માહિતીનું યથાર્થ મૂલ્યાંકન થયા પછી જ તે સાચા અર્થમાં જ્ઞાન બને છે.”
“આત્મા માટે ઉપકારક હોય તેવી સર્વ જાણકારી એટલે જ્ઞાન.”
“જ્ઞાન એ માત્ર અક્ષરજ્ઞાન નથી પરંતુ પરમશાંતિનું સાધન છે, જેમાં જીવનની દરેક શંકાઓનું સમાધાન મળે છે.”
“જ્ઞાન ચર્ચા, દલીલો કે વાતોનો વિષય જ નથી, તે તો અનુભવનો વિષય છે.”
“જ્ઞાનના સૌથી ઉચ્ચ તબક્કામાં મનુષ્યને દરેક જીવમાં ઈશ્વરના દર્શન થાય છે અને સમગ્ર જગત ઈશ્વરમય લાગે છે.”
“જ્ઞાન દ્વારા જીવને ત્રણ પ્રશ્નોના ઉત્તર મળે છે, હું કોણ છું? મારો અને સૃષ્ટિનો સર્જનહાર કોણ છે? પ્રકૃતિ કે સૃષ્ટિચક્ર શું છે અને તેનો આદિ, મધ્ય અને અંત શું છે? આમ આત્મા, પરમાત્મા અને સૃષ્ટિચક્રની જાણકારી એટલે જ્ઞાન.”

જો આપણે જ્ઞાન એટલે જાણવું એમ સમજતાં હોઈએ તો પહેલો પ્રશ્ન થાય કે જાણવાનું શું છે? જવાબ છે સત્ય. સત્ય એટલે શું? જવાબ છે – “જે નિત્ય, કાયમ અને શાશ્વત છે તે. હિંદુસંસ્કૃતિના મતે, ઈશ્વર જ સત્ય છે. કેમ કે ઈશ્વર એક જ નિત્ય અને અપરિવર્તનશીલ છે. વળી ઈશ્વરને જાણવા એ જ જ્ઞાન બાકી બધી તો નરી માહિતી છે. પરમતત્વને જાણી લીધા પછી કશું જ જાણવાનું બાકી રહેતું નથી. બ્રહ્મતત્વ, આત્મા-પરમાત્મા, પરમતત્વ કે દિવ્યતત્વ જે નામથી ઓળખો તે જ માત્ર સનાતન છે અને દરેક યુગમાં અસ્તિત્વ ધરાવે છે. સામાન્ય જ્ઞાન (G.K) સમય સાથે બદલાય છે પરંતુ સાચું જ્ઞાન સનાતન છે જે કદી બદલાતું નથી. માહિતી અને જ્ઞાનમા મૂળભૂત તફાવત છે. માહિતી એટલે સામાન્ય જ્ઞાન અને સાચું જ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન, પરમાત્માનું જ્ઞાન કે અધ્યાત્મિક જ્ઞાન. જેને પરાવિદ્યા અને અપરાવિદ્યાની દ્રષ્ટિએ પણ સમજી શકાય. માહિતી એટલે અપરાવિદ્યા (સામાન્ય જ્ઞાન કે ભૌતિક જ્ઞાન) અને જ્ઞાન એટલે પરાવિદ્યા (વિશિષ્ટ જ્ઞાન કે અધ્યાત્મિક જ્ઞાન) જેના મુખ્ય લક્ષણો કે તફાવત નીચે પ્રમાણે સમજાવી શકાય.

૧) માહિતી એટલે સામાન્ય જાણકારી જે પૈસા કમાવવા માટે ઉપયોગી ખરી પણ વ્યક્તિ કે સમાજના કલ્યાણ માટે નહીં. દા.ત. સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રમત-જગત, રાજ્યશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, વિજ્ઞાન, જીવશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, વિભિન્ન ભાષાઓ વગેરે તમામનું જ્ઞાન એ માત્ર સામાન્ય જ્ઞાન છે, માહિતી છે. જેના દ્વારા જીવનમાં સરળતા રહે વળી પૈસા મેળવી શકાય પરંતુ મુક્તિ કદી ના મેળવી શકાય. જયારે જ્ઞાન એવી વિશિષ્ટ કે ખાસ પ્રકારની સમજણ છે જેનાથી વ્યક્તિને સમજાય છે કે તે કોઈ દેહ નથી આત્મા છે. વળી આત્મા અને દેહ તો જુદા છે. જેનું માત્ર કર્મને કારણે સંયોજન થયું છે એટલે કે જડ અને ચેતન જોડાયા છે, આત્મા અજર અને અમર છે. મૃત્યુ માત્ર શરીરનું થાય છે. જેથી તે શોકનું કારણ નથી.

૨) માહિતી (સામાન્યજ્ઞાન કે ભૌતિકજ્ઞાન કે અપરાવિદ્યા) જીવને ઈશ્વરથી દૂર કરે છે કેમ કે વધુ પડતી માહિતી જીવનમાં અહંકાર પેદા કરે છે. જે જીવ અને શિવ વચ્ચે દીવાલ ખડી કરી દે છે. આ માહિતી એક પ્રકારનું અજ્ઞાન જ છે અથવા કહો કે મિથ્યાજ્ઞાન છે. જેનાથી વ્યક્તિ સંસારને સાચો અને નિત્ય સમજી બેસે છે, જે વાસ્તવમાં અનિત્ય છે. જયારે જ્ઞાન (અધ્યાત્મિકજ્ઞાન કે પરાવિદ્યા) તો ઈશ્વર સુધી પહોંચવાનું સાધન છે. જ્ઞાન જીવને શિવ બનાવે છે. જ્ઞાનથી અંશ (જીવાત્મા) અંશીમાં (પરમાત્મામાં) ભળી જાય છે. ત્યારબાદ તેનું ભિન્ન અસ્તિત્વ રહેતું નથી.

૩) માહિતી ભ્રમમાં વધારો કરે છે. બ્રહ્માંડના કોઈ રહસ્યોની યથાર્થ સમજણ માહિતી દ્વારા મેળવી શકાતી નથી. આજે પણ અનેક વૈજ્ઞાનિક સંશોધનો પછી વિજ્ઞાને જાહેર કર્યું છે કે બ્રહ્માંડની 70% માહિતી હજુ આપણે મેળવી શક્યા નથી. જેને વિજ્ઞાન ડાર્ક મેટર તરીકે ઓળખે છે. જયારે બ્રહ્માંડના તમામ રહસ્યોના ઉકેલ જ્ઞાન પાસે છે. એની પ્રાપ્તિ પછી કશું જ જાણવાનું બાકી રહેતું નથી. તમામ પ્રશ્નોના જવાબ આપોઆપ મળી જાય છે. જ્ઞાનમાં કશું જ અજાણ્યું રહેતું નથી.

૪) માહિતી મનુષ્યનો બોજ, ભાર અને અહંકાર વધારે છે. જેમ તે વધુ માહિતી એકઠી કરતો જાય તેમ પોતાને હોશિયાર, બુદ્ધિશાળી અને અન્યથી ચડિયાતો સમજવા માંડે અને અન્યને હલકા ગણે. વળી માહિતીસભર વ્યક્તિ કર્તાના ભાવ કે બોજ નીચે દટાતો જાય છે. જયારે જ્ઞાન મનુષ્યનો ભાર, બોજો, અહંકાર ઓછો કરે છે. કેમ કે વ્યક્તિને સમજાય છે કે કર્તા માત્ર ઈશ્વર છે. હું તો ઈશ્વરનું એક સામાન્ય સાધન કે નિમિત્ત છું. જેથી કોઈ વાતનો અહંકાર કરવા જેવો નથી. આમ કોઈ બોજ કે ભાર તેના ખભે રહેતો નથી.

૫) માહિતીમાં અનુભવનું તત્વ હોતું જ નથી. દા.ત. સચિને કોઈ ક્રિકેટમેચમાં કેટલી સદી ફટકારી તેની માહિતી મેળવી વ્યક્તિ સમજે છે કે તે જ્ઞાની છે (એટલે કે એનું G.K. પાવરફૂલ છે) પરંતુ તે તેનું અજ્ઞાન છે. આમાં કોઈ અનુભવ નથી, માત્ર ગોખેલું જ્ઞાન છે. જે જીવને કોઈ રીતે ઉપકારક નથી. માહિતીનું યથાર્થ મૂલ્યાંકન થયા પછી જ તે સાચા અર્થમાં જ્ઞાન બને છે. જ્ઞાન ચર્ચાનો નહીં, અનુભવનો વિષય છે. સાચા જ્ઞાનની પ્રાપ્તિ પછી માણસ આપોઆપ પરમશક્તિ સમક્ષ નતમસ્તક થઈ જાય છે. ભક્તિસભર બની જાય છે.

૬) માહિતી દ્વારા માત્ર પૈસો, પ્રતિષ્ઠા અને પદ મેળવી શકાય પરંતુ મનની સાચી શાંતિ કે આનંદ મેળવી શકાય નહીં. સુખના સાધનો ખરીદી શકાય પરંતુ સુખ કે ખુશી મેળવી ન શકાય. જયારે જ્ઞાન મનુષ્યને સાચી ખુશી, આનંદ અને શાંતિ પ્રદાન કરે છે. એટલે કે જ્ઞાન દ્વારા જ વ્યક્તિ સુખ-શાંતિપૂર્ણ સફળ જીવન જીવી શકે છે.

૭) માહિતી માણસને ઘમંડી, અવિવેકી, આક્રોશપૂર્ણ અને અન્યને પોતાનાથી ઉતરતા સમજનાર બનાવે. એટલે કે અસુરીગુણોમાં વધારો કરે. જયારે જ્ઞાનની પ્રાપ્તિ બાદ માણસ ખૂબ વિવેકી, નમ્ર અને સંતોષી બને છે. દરેકનો આદર કરતો થાય છે.

૮) માહિતી મનુષ્યની પીડામાં વધારો કરે છે કેમ કે તે જીવને ઉદ્ધત બનાવે છે. શિસ્તપાલનથી દૂર કરે છે. કારણ તેને લાગે છે કે તે જે કરે છે એ જ બરાબર છે કેમ કે પોતે તો જ્ઞાની છે, એ ખોટું કરી જ કેવી રીતે શકે? જયારે જ્ઞાન પાસે દરેક પીડાનો અંત આવે છે. દરેક સમસ્યાનું સમાધાન જ્ઞાન પાસે હોય છે.

૯) માહિતી એકત્ર કરવામાં શ્રદ્ધાની કોઈ જરૂર રહેતી નથી. જયારે જ્ઞાનની પ્રક્રિયાની શરૂઆત જ ઈશ્વર પરની શ્રધ્ધાથી થાય છે. કેમ કે ઈશ્વરકૃપા વગર સાચા જ્ઞાનની પ્રાપ્તિ શક્ય જ નથી. જ્ઞાન પુરુષાર્થ કરતા વધારે ઈશ્વરકૃપાનું ફળ છે.

10) માહિતી ચર્ચા કે દલીલનો વિષય છે જેના દ્વારા વ્યક્તિ પોતાની જાતને હોશિયાર સાબિત કરે છે. જયારે જ્ઞાન અનુભવનો વિષય છે. તેની પ્રાપ્તિ પછી મનુષ્ય મોટે ભાગે મૌન થઈ જાય છે. બોલવાનું ઓછું પસંદ કરે છે.

11) માહિતી મેળવ્યા બાદ વ્યક્તિ પોતાને જ ઈશ્વર સમજી બેસે છે કેમ કે તેને લાગે છે કે મારા જેટલો હોશિયાર કોઈ છે જ નહીં. જયારે જ્ઞાન દ્વારા મનુષ્ય સર્વમાં ઈશ્વરના દર્શન કરે છે. વ્યક્તિનો “સ્વ” કે “હુંપણું” જ્ઞાન મેળવ્યા પછી વિલીન થઈ જાય છે. તેને લાગે છે કે તે કાંઇ છે જ નહીં સર્વ કંઈ ઈશ્વર છે.

૧૨) માહિતી માણસને અનીતિમય અને હિંસક બનાવે છે, જે આજના શિક્ષણે કરી બતાવ્યું છે. જયારે જ્ઞાનથી ભાઈચારો, પ્રેમ, સહાનુભૂતિ, દયા જેવા ગુણો વિકસે છે. વ્યક્તિ અહિંસક બને છે.

13) માહિતી માણસમાં એટલા બધા અવગુણો પેદા કરે છે કે તે જન્મ-મરણના ફેરા ફર્યા જ કરે છે. જયારે જ્ઞાન દ્વારા વ્યક્તિ પીડામાંથી મુક્તિ મેળવી, સર્વ બંધનોમાંથી મુક્ત થઈ મોક્ષ મેળવી શકે છે.

૧૪) માહિતી એ માત્ર ગોખણીયું જ્ઞાન છે. જ્યારે સાચું જ્ઞાન સદગુરુની સેવાથી પ્રાપ્ત થાય છે. કર્મોથી અને ભક્તિથી પ્રાપ્ત થાય છે.

1૫) માહિતી વ્યક્તિને અનીતિમય, ભ્રષ્ટાચારી અને મૂલ્યહીન બનાવે છે. તે પોતાના સ્વાર્થમાં અન્યને દુઃખી કરતા બિલકુલ ખચકાતો નથી. જ્યારે જ્ઞાનપ્રાપ્તિ બાદ શિસ્ત, નીતિમત્તામાં અનેકગણો વધારો થાય છે. જાણે કે અજાણે તે કોઈને દુઃખ પહોંચાડતો નથી કે કોઈ ખોટું કાર્ય કરતો નથી કેમ કે તેનો આત્મા તેને ડંખે છે.

1૭) માહિતી ખૂબ મર્યાદિત પ્રશ્નોના જવાબ આપી શકે છે જ્યારે જ્ઞાન પાસે દરેક પ્રશ્નોના જવાબ છે.

આમ માહિતી બિલકુલ સામાન્ય જ્ઞાન છે જ્યારે જ્ઞાન એ સાચું, વિશિષ્ટ અને આધ્યાત્મિક જ્ઞાન છે. જ્ઞાન એ તો સનાતન સત્ય છે. જ્ઞાન ઈશ્વર છે. જ્ઞાન, સત્ય અને ઈશ્વર એકબીજા સાથે સંકળાયેલા છે અથવા કહો કે એકબીજાના પૂરક છે. આમ જુઓ તો એ ત્રણે એક જ છે. જ્ઞાન, સત્ય કે ઈશ્વરની શોધ યુગોથી મનુષ્ય કરતો રહ્યો છે. કેમ કે યુગોથી તેને અમુક ચોક્કસ પ્રશ્નો મૂંઝવે છે, પીડે છે અને તેના જવાબ શોધવાનો તે વર્ષોથી પ્રયત્ન કરે છે. પરંતુ આ તમામ પ્રશ્નોના જવાબ ઈશ્વરકૃપા વગર મળવા શક્ય નથી તો આવો જોઈએ એવા પ્રશ્નો કયા છે.

૧) નિત્ય શું અને અનિત્ય શું?
2) વાસ્તવિક શું અને મિથ્યા શું?
3) આત્મા અને પરમાત્મા એટલે શું?
૪) હું કોણ છું?
૫) જીવન શું છે?
૬) સમગ્ર બ્રહ્માંડમાં મારુ શું અસ્તિત્વ અને શું જરૂર?
7) જીવનનો હેતુ શું છે?
૮) દરેક જીવને જુદી જુદી યોની શા માટે મળે છે?
૯) આ બ્રહ્માંડની રચના કોણે કરી?
૧૦) જીવનમાં શું મેળવવા જેવું અને શું છોડવા જેવું છે?
11) મૃત્યુ શું છે?
૧૨) મૃત્યુ શરીરનું છે કે આત્માનું?
13) જો મૃત્યુ શરીરનું હોય તો મૃત્યુ થાય છે કેમ?
૧૪) જો મૃત્યુ આત્માનું હોય તો તે કેમ મરે છે?
15) જો આત્મા અમર હોય તો શરીરના મૃત્યુ પછી તે ક્યાં જાય છે?
16) મુક્તિ કે મોક્ષ શું છે? તે શક્ય છે ખરા? અને જો શક્ય છે તો કેવી રીતે પ્રાપ્ત થાય?
૧૭) શરીર અને આત્મા એક જ છે કે ભિન્ન?
18)જો ભિન્ન હોય તો તેનો મેળાપ કેવી રીતે થયો?
19) વાસ્તવમાં પરમાત્મા છે? જો હોય તો તેનો રોલ શું છે?
20) ઇશ્વર સુધી પહોંચવા કોઇ માર્ગ ખરા?
21) ઈશ્વર સુધી પહોચવાની શું જરૂર છે? તેનાથી શું મળે?
22)અને એ આપણે ખરેખર જોઈએ છે?
23) સ્વર્ગ અને નર્ક વાસ્તવિકતા છે કે કલ્પના?
24) જો તે હોય તો તે ક્યાં છે?

આવા તમામ પ્રશ્નોના યથાર્થ જવાબ જ્યારે મળે ત્યારે ખરા અર્થમાં જ્ઞાન થયું કહેવાય. આવું જ્ઞાન અવશ્ય જીવને ઈશ્વરની સમીપ લઈ જાય. આવું જ્ઞાન જ ધર્મશાસ્ત્રનો પાયો છે અને ધર્મશાસ્ત્રોમાં આવા જ્ઞાનપ્રાપ્તિના સાધનો કે રસ્તાઓની વિગતે સમજણ પણ આપેલી છે. એ આપણે ફરી ક્યારેક જોઈશું જેથી આર્ટીકલના વધુ લાંબો ન થઇ જાય. કેમ કે લેખમાં શબ્દોની મર્યાદા ખૂબ મહત્વની છે અને જ્ઞાનપ્રાપ્તિના સાધનોનો વિષય જરા લાંબો છે.