ભારત સહિત 10 દેશો 5G તકનીક ખરીદી મામલે ચીનનો બહિષ્કાર કરવા એકજૂથ

યુ.કે., ભારત, ઑસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, કેનેડા, જર્મની, જાપાન, ઈટાલી, અમેરિકા, કોરોનાવાઈરસને કારણે વૈશ્વિક રાજનીતિમાં સૌથી મોટો ફેરફાર એ થયો છે કે વધુને વધુ દેશોનો ચીન પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. અગાઉ ફાઈવ-જી ટેકનોલોજી મુદ્દે ચીનના ટેકેદાર રહેલા યુ.કે.એ પણ હવે ચીનથી છેડો ફાડવાનું નક્કી કર્યું છે. બ્રિટિશ અખબાર ‘ધ ટાઈમ્સ’ના અહેવાલ પ્રમાણે યુ.કે. ચીન વિરોધી દેશોનું સંગઠન રચવાની તૈયારીમાં છે. અલબત્ત આ સંગઠન ફાઈવ-જી ટેકનોલોજી પૂરતું મર્યાદિત હશે. યુ.કે.એ ભારત સહિતના દસ દેશોને શામેલ કરીને ડી-૧૦ એલાયન્સ નામનું ગૂ્રપ તૈયાર કરવા પ્રસ્તાવ મુક્યો છે. આ બધા દેશોએ ચીન પાસેથી ફાઈવ-જી ટેકનોલોજી અને તેના ઈક્વિપમેન્ટ ન ખરીદવા એવો કરાર કરવામાં આવશે. જો દસ દેશો ચીનનો ફાઈવ-જી મુદ્દે બહિષ્કાર કરે તો પછી ચીનને મોટો ફટકો પડે.

ઈન્ટરનેટ સ્પીડ અને વપરાશ બન્નેને સરળ બનાવતી આવતીકાલની ક્રાંતિકારી ફાઈવ-જી ટેકનોલોજીની ભારત સહિતના દેશોમાં ધીમા પગલે શરૂઆત થઈ છે. અત્યારે જગતના મોટા ભાગના દેશોમાં ફોર-જી ઈન્ટરનેટ સ્પીડ વપરાય છે. ઈન્ટરનેટનો વપરાશ વધી રહ્યો છે, જેને પહોંચી વળવા માટે જગત પાસે ફાઈવ-જી અપનાવવા સિવાય કોઈ વિકલ્પ નથી. ફાઈવ-જી ટેકનોલોજીમાં વિશ્વની જે કેટલીક અગ્રણી કંપનીઓ છે, તેમાં ચીનની પણ હુવેઈ અને ઝેડટીઈનો સમાવેશ થાય છે. બધી કંપનીઓમાં વળી હુવેઈ આગેવાન છે. અમેરિકાએ ગયા વર્ષે જ હુવેઈ પર જાસૂસીના મુદ્દે પ્રતિબંધ મુકી દીધો છે અને ચીન-અમેરિકા વચ્ચે એ મુદ્દે માથાકૂટ પણ ચાલે છે.

ફાઈવ-જી ટેકનોલોજી આગામી યુગમાં મહત્ત્વની સાબિત થવાની છે. જો ચીનનો આ મુદ્દે બહિષ્કાર થાય તો આગામી વર્ષોમાં ચીનના અર્થતંત્રને આ નિર્ણય ભારે પડી જાય. બ્રિટને થોડા સમય પહેલા જ ફાઈવ-જી માટે હુવાઈને જ કોન્ટ્રાક્ટ આપ્યો છે અને અત્યારે બ્રિટનનું ૩૫ ટકા માર્કેટ આ કંપનીએ કવર કર્યું છે. પરંતુ હવે બ્રિટિશ વડા પ્રધાનની પાર્ટી કન્ઝર્વેટિવજ આ નિર્ણયનો વિરોધ કરી રહી છે. માટે અત્યારે જે ૨૦૨૩ સુધીનો કોન્ટ્રાક્ટ અપાયો છે એ પછી આ કંપનીનો કોન્ટ્રાક્ટ ન લંબાય એ માટે સરકાર વિચારાધિન બની છે.