વર્ષો કે યુગોથી માયા શબ્દ આપણે સાંભળીએ છીએ, કે આ સંસાર એક માયા છે, જીવન માયા છે, સંબંધો બીજું કાંઈ નહિ બધી માયા છે. બચપણથી જ મને થતું કે આ માયા છે શું? કેમ કે સામાન્ય સમજણ પ્રમાણે માયા એટલે જે ન હોય તે દેખાવું. પરંતુ સંસાર, જીવન, સંબંધો વગેરેનું અસ્તિત્વ તો અનુભવાય છે, સતત અને અવિરત જન્મથી મરણ સુધી અને આપણે સંબંધો, જીવન અને સંસારને જીવીએ છીએ માણીયે છીએ પછી ક્ષણે-ક્ષણે અનુભવાતી બાબત માયા કેવી રીતે કહેવાય? કદાચ આવો જ પ્રશ્ન મોટાભાગના લોકોને એટલે કે સતત વિચારતા લોકોને થતો હશે. હવે મને સમજાય છે કે માયા એટલે એક એવું સત્ય જે છે પણ નથી. કેમ કે સત્યનો કદી નાશ ન થાય, તે અવિનાશી હોય એટલે તેનો કદી આરંભ કે અંત ન હોય. જ્યારે આ સંસાર, જીવન કે સંબંધોનો આરંભ અને અંત આપણે જોઈએ છે અથવા અનુભવીએ છીએ. જેમ કે દરેક સંબંધનો અંત બે રીતે થાય છે ૧) મનદુખ દ્વારા અને ૨) મૃત્યુ દ્વાર. એ જ રીતે જીવનનો પણ આરંભ અને અંત આપણે જન્મ અને મરણ દ્વારા અનુભવીએ છીએ. સંસારનો પણ આદિ અને અંત એટલે કે સર્જન અને પ્રલય થાય છે. આધ્યાત્મિક જગત આરંભ અને અંતને જ માયા કહે છે, એટલે કે ભ્રમ કેમ કે વાસ્તવમાં જે દેખાય છે તે સત્ય નથી.
આમ પણ આપણે જાણીએ છીએ કે હંમેશાં જે દેખાય તે સત્ય નથી હોતું જેમ કે મૃગજળ. મૃગજળ સમાન જીવન પણ ક્યારેક દૂરથી દેખાય છે અને નજીક જતા અદ્રશ્ય થઈ જાય છે. બસ એ જ જીવન અને મરણની આ સાયકલ અનુભવાય છે છતાં એ સત્ય નથી, એટલા માટે એને માયા કહેવામાં આવે છે. કેમ કે આત્માના સંદર્ભમાં જોતા ન તો જન્મ છે કે ન મૃત્યુ. કારણ કે આત્મા તો અજર અને અમર છે એ દૃષ્ટિએ આ સમગ્ર સંસાર માયા છે. એનો અર્થ એ નથી કે તેનું અસ્તિત્વ નથી, અસ્તિત્વ છે પરંતુ અહીં તમે જેને પોતાના સમજો છો તે વાસ્તવમાં પોતાના નથી એ દૃષ્ટિએ આપણો ભ્રમ છે કે માયા છે. જેમ કે જીવનરૂપી માયામાં આપણે મેળવેલો પૈસો, સત્તા, પદ, માન-મોભો, સંબંધો જેવા કે માતા-પિતા, પુત્ર, પત્ની, ભાઈ-બેન વગેરે જો સત્ય હોય એટલે કે પોતાના હોય તો કદી સાથ છોડે નહીં. કેમ કે પોતાનું હોવાનો અર્થ જ એ છે કે તે સતત સાથ નિભાવશે. પરંતુ આપણે જાણીએ છીએ કે આ કશું જ સતત સાથે રહેતું નથી. કંઈક મૃત્યુથી છૂટે છે જયારે ઘણુંબધું તો જીવતા-જીવત છૂટી જાય છે. હવે કહો કે આપણું હતું તો વિયોગ કેમ થયો? પોતાના મકાન અને ભાડાના મકાનમાં એક જ ફર્ક, ભાડાના મકાનને ગમે ત્યારે ખાલી કરાવવા માલિક આદેશ આપી શકે. એ જ રીતે સંસાર, જીવન કે સંબંધો છોડવાનો આદેશ તો ગમે ત્યારે આવી જાય છે, કોઈ આગોતરી જાણ વગર અને આપણે કશું કરી શકતા નથી તો પછી તેને પોતાનું કેવી રીતે કહેવાય? આમ જે સત્ય નથી તે જ માયા છે. બધું અસ્તિત્વ હોવા છતાં, અનુભવવા છતાં, છે નહિ, આપણું હોવા છતાં આપણું નથી જેને અધ્યાત્મિક જગત માયા કહે છે.
આધ્યાત્મિક જગતની મોટાભાગની વાતો ઘણીવાર સપના જેવી લાગે અથવા કહો કે એક કોયડા જેવી લાગે, જે ન તો સમજાય કે ન ઉકેલી શકાય એટલે તેને ઈગ્નોર કરવામાં જ સરળતા અનુભવાય. જેથી આપણે તેને વાહિયાત કહી ઠોકર મારી દઈએ છીએ પરંતુ આ વાતો જ વાસ્તવમાં ગુઢ જ્ઞાન છે. એક અન્ય અર્થ પ્રમાણે માયા એટલે કપટ. સાચું તો છે સંસાર, જીવન, સંબંધો દરેક જગ્યાએ ક્યાં કપટ નથી? વિચારો તો ખરા. લોકો બોલે છે કંઈક, વિચારે છે કંઈક, કરે છે કંઈક આમ પારાવાર દંભ અને કપટની દુનિયા તો છે કે કોઈને સાચા અર્થમાં ઓળખી જ શકાતા નથી. છતાં તે દુનિયા, જીવન, સંસાર કે સંબંધોને જાણવા-ઓળખવામાં આપણે જીવન ખર્ચી નાખીયે છીએ, પરંતુ સત્યને સમજવા કે ઓળખવા આપણી પાસે બે મિનિટનો સમય નથી. હવે કહો આનાથી મોટું અજ્ઞાન કે માયા બીજી કઈ હોય? સાચું કહો તો માયા એટલે મિથ્યાજ્ઞાન એટલે આપણે જે સમજીયે છીએ તેનાથી કંઇક જુદું. આપણને દરેકને અનુભવ છે કે પળે-પળે આપણે કંઈક નવું જાણવા કે શીખવ મળે છે અને સમજાય છે કે આપણે ખોટા હતા, વાત આવી હતી જ નહીં પણ આપણને એવી લાગી એનો અર્થ એ કે દરેક ક્ષણે આપણને ભૂલ સમજાય છે પરંતુ ખબર નહીં કોઈ નવી આશા સાથે ફરી આપણે બીજી ભૂલ કરવા તૈયાર થઈ જઈએ છીએ. શું તમને નથી લાગતું આને જ માયા કહેવાય? આધ્યાત્મિક સમજણ અનુસાર અજ્ઞાન કે મિથ્યાજ્ઞાનને માયા કહેવામાં આવે છે, એટલે કે સાચા ને ખોટું સમજવું અને ખોટાને સાચું સમજવું, જે જ્યાં નથી ત્યાં જોવું અને જે છે તે તરફ દુર્લક્ષ સેવવું. આમ તો આપણા સૌનો અનુભવ છે કે આપણને જ્યાં સત્ય છે ત્યાં કદી નથી દેખાતું અને જ્યાં નથી ત્યાં દેખાય છે. જેમ કે જ્યાં પ્રેમ નથી ત્યાં દેખાય છે અને જ્યાં છે ત્યાં દેખાતો નથી. કોઈ મીઠું-મીઠું બોલે કે વખાણ કરે ત્યાં આપણને પ્રેમ દેખાય છે અને જ્યાં ખરેખર પ્રેમ છે ત્યાં નથી દેખાતો કેમ કે જ્યાં સાચો પ્રેમ છે ત્યાં ના તો વખાણ કે ના બટરીંગ, માત્ર સત્યથી વાકેફ કરાવવાનો પ્રયત્ન છે, જે આપણને હંમેશા રોક-ટોક લાગે છે, કે “આને તો ભાષણ આપવા સિવાય કોઈ ધંધો જ નથી” એટલે જ કદાચ આપણને માતા-પિતા, ગુરુ કે વાસ્તવિક લાગણી ધરાવતા અંગત લોકો આપણા પોતાના લાગતા નથી. ટૂંક સમય માટે સારું-સારું બોલી ખુશ કરનારા લોકો આપણને વિશેષ પસંદ પડે છે. તમને નથી લાગતું કે આ જ સૌથી મોટું મિથ્યાજ્ઞાન કે માયા છે?
જે વાસ્તવિકતા જોવા જ નથી દેતું. શાસ્ત્રો જણાવે છે કે માણસ પ્રેમમાં અને આસક્તિમાં આંધળો બને છે. આપણો પોતાનો પણ કદાચ એ જ અનુભવ છે કે આપણને જ્યારે કોઈ વ્યક્તિ ગમી જાય છે ત્યારે તેના અવગુણો દેખાતા જ નથી અને કોઈ વ્યક્તિ પર અણગમો કે નફરત જન્મે ત્યારે તેના અનેક સારા ગુણો કે જે કદાચ ભૂતકાળમાં આપણે અનુભવેલા દેખાતા નથી. આપણી નફરત આપણી દ્રષ્ટિ છીનવી લે છે એટલે કે ક્ષણભર માટે આપણને આંધળા બનાવી દે છે અને માત્ર તેના દુર્ગુણો અને ખરાબીઓ તરફ જ આપણે લક્ષ આપીએ છીએ. માયાના અસ્તિત્વનું મુખ્ય કારણ શાસ્ત્રો અનુસાર ષટરિપુ છે એટલે કે મુખ્ય છ દુર્ગુણો જેવા કે કામ, ક્રોધ, લોભ, અહંકાર, ઈર્ષા, સ્વાર્થ( આસક્તિ) હવે કહો શાસ્ત્ર શું ખોટું કહે છે? આપણે પોતે પણ દરરોજ અનુભવીયે જ છીએ કે આપણને મદદ કરનાર, આપણું સારું બોલનાર, પ્રેમનું નાટક કરનાર, આપણી પ્રગતિ કે લાભમાં (યોગ્ય કે અયોગ્ય લાભ) કારણ બનનારા વ્યક્તિ પર આપણો પ્રેમ વધે છે અને તેની ખરાબીઓ આપણે જોવા ઇચ્છતા નથી. એનું મુખ્ય કારણ આપણું અંગત સ્વાર્થ છે. બધું જાણતા હોવા છતાં આપણે કશું જ જાણતા નથી શું એને માયા ન કહેવાય?
પશુ-પક્ષી કે મનુષ્ય સમગ્ર જીવન પ્રજોત્પતિ અને તેની સાથે જોડાયેલા કાર્યોમાં રચ્યોપચ્યો રહે છે. કહો કે આ કાર્યો જ તેને પ્રગતિમય રાખે છે. પરંતુ દરેક પ્રજાતિમાં બાળકોને પાંખ આવતાની સાથે જ તે ઊડી જાય છે. છતાં આપણે ભૂલી ફરી પાછા એ જ કાર્યમાં વ્યસ્ત રહીયે છીએ. આપણને ખબર પડી ગઈ છે કે હાથમાં કંઈ આવવાનું નથી છતાં એક આશા સાથે કે હવે કદાચ એવું નહીં થાય. પરંતુ પ્રકૃતિનો નિયમ જ છે પાંખ આવતા પક્ષી ઊડી જ જવાનું. શાસ્ત્ર અનુસાર, પુત્ર ચાર પ્રકારના હોય
૧) ઋણાનુંબંધી – કે જેનું કોઈ ઋણ બાકી રહી ગયું છે, પૂર્વજન્મમાં ચૂકવવાનું રહી ગયું છે જેથી એ પુત્ર બનીને તમારા જીવનમાં આવે છે અને દેવું ચૂકતે થતા વિદાય લે છે.
૨) શત્રુ – જેનું તમે પૂર્વજન્મમાં કંઇક બગાડ્યું છે અને બદલો લેવાનો બાકી રહી ગયો છે જે લેવા તે પુત્ર રૂપે તમારા ત્યાં જન્મે છે જે બદલો લઇ એટલે કે તમને હેરાન કરી વિદાય લેશે.
૩) સેવક – કે જે તમારા પૂર્વજન્મના પુણ્યકર્મોનું ફળ સુખ અને સેવા રૂપે ચૂકવવા આવ્યો છે. અને
૪) ઉદાસીનપુત્ર – જે ના કંઈ આપે કે ન લે, જે કોઈ લેણદેણના સંબંધો પૂરા કરવા આવ્યો છે, જેથી લગ્ન સુધી માતા-પિતા સાથે રહેશે અને લગ્ન કરતાની સાથે માતા-પિતાને છોડી પત્ની સાથે જતો રહેશે. આ તમામ બાબતો આપણે સંસારમાં માત્ર જોતા નથી પરંતુ અનુભવીએ છીએ, ફર્ક માત્ર એ છે કે સ્વીકારી શકતા નથી. બસ આ જ માયા છે. જે સાચા દર્શન કરવા નથી દેતી. ટૂંકમાં માયા કોઈ કપોળ કલ્પના નથી સનાતન સત્ય છે.
જેને આપણે આપણા દુર્ગુણો અને અજ્ઞાનરૂપી આવરણને કારણે જોઈ નથી શકતા અથવા કહો કે જોઈ અને ઓળખ્યા પછી પણ ભ્રમ સમજી ભૂલી જઈએ છીએ. એવું નથી કે આ બધું આપણને સમજાતું નથી, ક્યારેક-ક્યારેક સમજાય છે પરંતુ પકડાતું નથી, બસ એ જ માયા છે.