મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને લૉકડાઉનનાં પગલામાંથી ધોરણ 10 અને 12 માટે બોર્ડની પરીક્ષાઓ હાથ ધરવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવાયો છે, એવું ટ્વીટ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કર્યું હતું.
લૉકડાઉનના પગલાં પરની માર્ગદર્શિકા અંતર્ગત શાળાઓ ખોલવા પર પ્રતિબંધ હોવાથી રાજ્ય એજ્યુકેશન બોર્ડ/સીબીએસઈ/આઇસીએસઈ વગેરે દ્વારા ધોરણ 10 અને 12નાં બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી. રાજ્ય સરકારો અને સીબીએસઈ પાસેથી બોર્ડની પરીક્ષાઓ યોજવા માટે વિનંતીઓ મળી હતી.
આ સંબંધમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય (એમએચએ)એ પરીક્ષાઓ યોજવા માટે નીચેની શરતો લખીને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને વિગતવાર જણાવી છે. આ શરતો છેઃ
- નિયંત્રિત ઝોનમાં પરીક્ષાના કેન્દ્રોને મંજૂરી આપવામાં નહીં આવે.
- શિક્ષકો, સ્ટાફ અને વિદ્યાર્થીઓને ફેસ માસ્ક પહેરવો ફરજિયાત રહેશે.
- કેન્દ્રોમાં થર્મલ સ્ક્રીનિંગ અને સેનિટાઇઝરની જોગવાઈ કરવી પડશે તથા તમામ પરીક્ષા કેન્દ્રોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું પડશે.
- વિવિધ બોર્ડ દ્વારા પરીક્ષા હાથ ધરવા માટે તેમની પરીક્ષાનું શીડ્યુલ વિભાજીત કરવું પડશે.
- પરીક્ષા કેન્દ્રો સુધી વિદ્યાર્થીઓના પરિવહન માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા ખાસ બસોની ગોઠવણી કરવી પડે એવું બની શકે છે.