સિક્કિમની પાસે સરહદ પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ટકરાવ થયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ભારતીય સેનાના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સિક્કિમ વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ જોવા મળી હતી.
સેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉત્તર સિક્કિમમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે મુકાબલો થયો હતો. જેમાં બંને પક્ષના સૈનિકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ સમય દરમિયાન ભારતીય અને ચીની સૈન્યના જવાનો આક્રમક બન્યા હતા, જેમાં કેટલાકને ઈજાઓ પહોંચી છે.જોકે, બાદમાં વાતચીતથી સ્થિતિને ઉકેલી લેવામાં આવી હતી.
આર્મીનું કહેવું છે કે સીમા વિવાદને લઈ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ક્યારેક હંગામી ઝપાઝપી થતી રહે છે. જોકે, આ વખતે આ ઘટના ઘણા લાંબા સમય બાદ થઈ છે. સામાન્ય રીતે બન્ને દેશ પ્રોટોકોલ હેઠળ ઉકેલ મેળવી લે છે.
મીડિયા અહેવાલો પ્રમાણે આ ઘટના મુગુથાંગની આગળ નાકુ લા સેક્ટરમાં શનિવારે સર્જાઈ હતી. આ વિસ્તાર પાંચ હજાર મીટરની ઉંચાઈ પર છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે ચાર ભારતીય સૈનિક અને સાત ચાઈનીઝ સૈનિકને ઈજા પહોંચી છે. આ ઝપાઝપીમાં બન્ને દેશના આશરે 150 સૈનિકોનો સમાવેશ થતો હતો.