રોગપ્રતિકારક શક્તિની સિલ્વર જ્યુબિલી

કોરોના મહામારી જેવો કપરો સમય હોય કે જીવનના કોઈપણ ક્ષેત્રે સફળતા મેળવવી હોય અથવા મનુષ્ય જીવનના ચાર અગત્યના પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરવી હોય શારીરિક, માનસિક અને આત્મિકબળની આવશ્યકતા છે. તમામ પ્રકારની અશુદ્ધિ, અનિષ્ટ કે રોગો સામે લડવાની કે ટકવાની શક્તિ એટલે આપણી મૂળભૂત શક્તિ. શબ્દ પરથી જ સમજાય કે પ્રતિકાર કરવાની શક્તિ કે અનિષ્ટ સામે લડવાની શક્તિ એ રોગપ્રતિકાર શક્તિ. પરંતુ કોની સામે લડવાનું છે? જવાબ છે, રોગો સામે. રોગો એટલે શું? રોગો એટલે જે શરીર, મન અને આત્માને નબળા પાડે, તેની મૂળભૂત શક્તિ હણી લે તે. આમ તો જીવનમાં ક્ષણે-ક્ષણે આવા અનેક ભયંકર રોગો સામે લડવાની કે પ્રતિકાર કરવાની જરૂર જીવમાત્રને પડતી જ રહે છે. જેથી પરમાત્માએ પ્રાણી માત્રને પહેલેથી જ પ્રતિકારશક્તિ આપેલી જ છે. પરંતુ વિશિષ્ટ અને અસામાન્ય બુદ્ધિ ધરાવતા માત્ર મનુષ્ય આવી શક્તિ વધારવા અંગે ચોક્કસ પ્રયત્ન કરી શકે છે. જે પરમાત્માની તેના પર વિશેષ કૃપા કહી શકાય. છતાં કળિયુગનો માનવી અનેક શારીરિક રોગો, માનસિક પીડાઓ અને આધ્યાત્મિક અશક્તિ કે નબળાઈનો સામનો કરી રહ્યો છે, કદાચ એનું કારણ અજ્ઞાન છે. એટલે કે તેને ખબર જ નથી કે શારીરિક, માનસિક કે આત્મિક મહામારી સામે પ્રતિકાર કેવી રીતે થાય? અથવા પ્રતિકાર માટેના સાધનો કયા? જેથી આ લેખમાં મે પ્રતિકારકશક્તિ વધારવાના 25 ઉપાયો (સિલ્વર જ્યુબિલી) જણાવ્યા છે. આમ તો જીવમાત્ર પાસે પ્રતિકારકશક્તિ છે જ, પરંતુ ક્યારેક તે શક્તિશાળી દુશ્મનો સામે લડવામાં નબળી પડે તો તેને વધુ મજબૂત નીચેના 25 ઉપાયો દ્વારા કરી શકાય. સામાન્ય સમજ પ્રમાણે રોગ માત્ર શારીરિક હોય છે. પરંતુ એવું નથી તે માનસિક અને આત્મિક પણ હોય છે. જેથી ઉપાયો પણ સમગ્રલક્ષી જોઈએ. માત્ર આહાર-વિહાર પૂરતા મર્યાદિત ઉપાયો ધાર્યું પરિણામ ન આપી શકે. એ દ્રષ્ટિએ અહી સમગ્રલક્ષી ઉપાયોને ધ્યાન પર લીધા છે.

૧) સૂક્ષ્મવ્યાયામ કે નિયમિત કસરત- ડો. વિલિયમ કહે છે કે માણસની જિંદગી ટૂંકી અને દુઃખદાયક કરનાર બધા કારણોમાં સૌથી મોટું કારણ બેઠાડું અને બિનકસરતી જીવન છે. બેઠાડું જીવનને માનસિક રોગ અને આંતરડાના કેન્સર સાથે પણ સીધો સબંધ છે. અઠવાડિયે કુલ એકવીસ કલાક કરતા વધુ ચાલવાની ( ચાલવા સિવાય અન્ય જેમાં એટલી જ કેલરી વપરાતી હોય તે પણ ધ્યાને લઈ શકાય). કસરત જે લોકો કરે છે તેમની જિંદગી કસરતવાળી ગણાય અને એથી ઓછી કસરત કરનાર વ્યક્તિનું જીવન બિનકસરતી ગણાય. કસરતથી શરીરમાં એન્ડ્રોફિન્સ વધારે ઉત્પન્ન થાય છે જે વ્યક્તિને ઉત્સાહિત રાખે છે. ૩૦ વર્ષની ઉંમર પછી તમે જો નિષ્ક્રિય રહો તો દર વર્ષે 250 ગ્રામ સ્નાયુઑ ઘટે છે અને 500ગ્રામ ચરબી વધે છે. જેનાથી બચવા માટે વજન ઊંચકવાની કસરત તેમજ અન્ય કસરત નિયમિતરૂપે કરવી જોઈએ. (1) ચાલવું, (2) દોડવુ (3) તરવું (4) સાયકલિંગ (5) એરોબિક્સ (6) નાચવું (7) દોરડા કૂદવા (8) બાગકામ કરવું (9) ઘરકામ ( કચરા-પોતા ઉત્તમ કસરત છે ) ગમતી રમતો રમવી (Outdoor) 10) સીડી ચડ-ઊતર કરવી (11) આસનો કરવા. જેનાથી કંઈ જ ન થઈ શકે તેમણે નિયમિતપણે ચાલવાનો નિયમ બનાવવો જોઈએ.
૨) પ્રાણાયામ- જે શ્વસન પ્રક્રિયાને મજબૂત કરે છે. કોરોના મહામારીમાં પ્રાણાયામ અતિ આવશ્યક છે. પ્રાણાયામ પ્રાણ પરનું વિશેષ નિયંત્રણ દર્શાવે છે અને શરીરની સંપૂર્ણ ચુસ્તતા માટે પ્રાણ એક ગર્ભિત શક્તિ છે.

૩) આસન – વિશિષ્ટ પ્રકારના આસનો શરીરના એકે એક અંગને તંદુરસ્ત રાખે છે. જેના દ્વારા શરીરની પ્રતિકારક શક્તિ વધે છે.
૪) પૂરતી અને ગાઢ નિંદ્રા – જે નર્વસ સિસ્ટમને મજબૂત કરે છે. છ થી આઠ કલાકની ગાઢ અને શાંત ઊંઘ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. અનિન્દ્રા રોગપ્રતિકારક શક્તિને તો ખતમ કરે જ છે પરંતુ શરીરને અનેક રોગો અને વૃધ્તત્વ તરફ ધકેલે છે. દિવસ દરમ્યાન શરીરને વેઠવા પડતા ઘસારાનું સમારકામ, અવયવોને આરામ, નવા કોષોનું સર્જન વગેરે શરીર રાત્રે નિંદ્રા દરમ્યાન કરે છે. જે અપૂરતી ઊંઘ કે ઉજાગરાને કારણે શરીર માટે શક્ય બની શકતું નથી. જે શરીરને અશક્ત બનાવે છે અને તે રોગો સામે લડી શકતું નથી.

૫) હાડકા અને સ્નાયુઓને મજબૂત કરવા – સ્નાયુઓને ખેંચાણ આપે તેવી કસરત જેવી કે યોગાસન, નૃત્ય, બાગકામ, પોતું કરવું, કરાટે, સૂર્યનમસ્કાર, વજન ઊંચકી હર-ફર કરવું, દાદર ચઢવા, દોરડા કૂદવા, દંડ-બેઠક કરવી, વેઇટ-લિફ્ટિંગ કરવું વગેરે સારા પરિણામ આપી શકે. વળી પ્રોટીન, વિટામીન જેવા પોષણનું પ્રમાણ પણ ઉપયોગી થઇ શકે.

૬) પાચનતંત્રને તંદુરસ્ત રાખો- સમગ્ર શરીરની તંદુરસ્તીનો આધાર પાચન પર છે. શરીરની તાકાત કે પ્રતિકારક શક્તિનો આધાર કેટલું ખાધું તેના પર નહિ પરંતુ કેટલું પચાવ્યું એના પર છે. ઉત્તમ આહાર વિહાર અને શિસ્તમય જીવન એટલે કે નિયમિતતા પાચનતંત્રને ચુસ્ત રાખે છે.
૭) યોગા- કે જે આંતરિક સ્વાસ્થ્યપ્રાપ્તિની પૂર્વ શરત છે. સુક્ષ્મશરીરની તંદુરસ્તી સ્થૂળશરીરના આરોગ્ય માટે અનિવાર્ય છે. મનુષ્ય શરીર એ માત્ર દેખાતું ભૌતિક કે સ્થૂળશરીર નથી. સ્થૂળશરીરની તંદુરસ્તી સૂક્ષ્મ અને કારણ શરીર પર આધારિત છે. આપણું સૂક્ષ્મશરીર મન, બુદ્ધિ અને અહંકારનું બનેલું છે જયારે કારણશરીર સત, ચિત્ત અને આનંદનું બનેલું છે. યોગા આ તમામને અસર કરે છે.

૮) શુદ્ધ અને સાત્વિક આહાર:- ખોરાક જીવનની મૂળભૂત જરૂરિયાત છે. ધર્મશાસ્ત્રો પ્રમાણે કળિયુગમાં પ્રાણ અન્નમાં રહેલ છે. એનો અર્થ એ થયો કે મનુષ્યે તેના અસ્તિત્વને ટકાવવા માટે યોગ્ય અને જરૂરી આહાર લેવો ખૂબ જરૂરી છે. આહારની બાબતમાં ચોક્કસ બાબતોની જાણકારી અતિ આવશ્યક છે જેમકે કેટલું ખાવું? ક્યારે ખાવું? કેવી રીતે ખાવું? શું ખાવું અને શું ન ખાવું?

૯) પોષકતત્વો – મનુષ્ય શરીરના પોષણ અને રક્ષણ માટે પાંચ મૂળભૂત તત્વો જરૂરી છે. a) કાર્બોહાઈડ્રેટ b) પ્રોટીન c) વિટામીન d) ચરબી e) ખનીજતત્વો (minerals), સ્વાસ્થ્યને ખોરાક સાથે ઘનિષ્ઠ સંબંધ છે. કાર્બોહાઈડ્રેટનું મુખ્ય કામ શક્તિ આપવાનું છે. શક્તિશાળી એન્ટિ-ઓક્સિડન્ટ તે ઉત્પન્ન કરે છે. શરીરની શુદ્ધિ કરે છે. કાર્બોહાઈડ્રેટ આપણને અનાજ, કંદમૂળ, શર્કરા, ખજૂર,અંજીર,દ્રાક્ષ વગેરેમાંથી મળે છે. શરીરના બંધારણમાં ૬૦ ટકા હિસ્સો કાર્બોહાઈડ્રેટનો છે, ઉર્જાશક્તિની 60 ટકા જરૂરિયાત આ સ્ત્રોતમાંથી પૂર્ણ થવી જોઈએ. પ્રોટીન શારીરિક વિકાસનું અનિવાર્ય તત્વ છે. ચણા અને સોયાબીનમા પ્રોટીનનું પ્રમાણ પુષ્કળ છે. મુખ્યત્વે શરીર બાંધનાર તત્વ પ્રોટીન છે. સામાન્ય રીતે તમારા શરીરના વજન અનુસાર દરેક કિલો વજને એક ગ્રામ પ્રોટીન લેવાની સલાહ અપાય છે. વિટામિન, કેલ્શિયમ (ક્ષાર ) ખનીજ તત્વો( મિનરલ્સ) અને ચરબી આ તમામનું કામ મુખ્યત્વે રોગપ્રતિકારકશક્તિ વધારવાનું અને પાચન અને ચયાપચયની(Metabolism) પ્રક્રિયામાં ઉપયોગી થવાનું છે. વળી, એન્ટીઓક્સીડન્ટ તરીકે પણ તે ભૂમિકા ભજવે છે. વિટામીન અનેક પ્રકારના હોય છે જેમકે વિટામીન A, D, E, C જ્યારે વિટામીન B ના અનેક પ્રકાર છે જેમકે B2, B6, B12 વગેરે વગેરે.

૧૦) સૂર્યપ્રકાશ અને પ્રકૃતિતત્વો- વિટામીન ડી નો ઉત્તમ સ્ત્રોત સૂર્યપ્રકાશ છે. અઠવાડિયામાં ત્રીસ મિનીટ વહેલી સવારમાં સૂર્યપ્રકાશમાં બેસવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં અનેકગણો વધારો થાય છે. આ ઉપરાંત પ્રકૃતિના મૂળભૂત તત્વો જેવા કે માટી, પાણી, વાયુ વગેરે પણ શરીરનું સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ વધારતા અગત્યના પરિબળો છે.
૧૧) ધ્યાન અને એકાગ્રતા – જે વ્યક્તિની માનસિક શક્તિમાં અનેકગણો વધારો કરે છે, જેના દ્વારા શારીરિક સ્વાસ્થ્ય પ્રાપ્તિ અતિ સરળ બની જાય છે.

૧૨) હકારાત્મકતા- અનેક સંશોધનોએ સાબિત કર્યું છે કે positivity શરીરમાં WBC વધારે છે. જે રોગપ્રતિકારક શક્તિ નક્કી કરતુ મહત્વનું પરિબળ છે. ઉપરાંત વિધાયક વિચારો શરીરમાં DNA ની સંખ્યામાં વધારો કરે છે.

૧૩) મંત્રોચ્ચાર –મંત્ર મુક્તિનો કારક છે, મંત્ર શબ્દમાં “મન”નો અર્થ છે વિચારવું અને “ત્ર” નો અર્થ છે મુક્ત કરવું. આમ મંત્ર એવો વિચાર છે જે સર્વ પીડામાંથી મુક્ત કરે છે. મંત્રોચાર દ્વારા અનેક રોગો મટ્યાના વૈજ્ઞાનિક પ્રમાણો છે. મંત્રોચ્ચાર આપણા સુષુપ્ત મગજને સક્રિય કરે છે જે અકલ્પનીય શક્તિનો માલિક છે. ૧૪) balance state of mind – સુખ કે દુખ, હર્ષ કે શોક, સફળતાકે નિષ્ફળતા આ તમામ જીવનરૂપી દ્વંદ છે તેમાં જેટલી સ્થિરતા રાખી શકાય એટલી રોગપ્રતિકારક શક્તિ જળવાય રહે છે.

૧૫) વિશેષ વિહાર – એટલે કે શોખ અને રસ મુજબનું જીવન જીવવું. રમતો રમવી, સંગીત સંભાળવું, વાંચવું વગેરે જે કંઇ ગમતું હોય, જેનાથી મન ખુશ રહે, તેવા કાર્યો કરવા રોગપ્રતિકારકશક્તિ વધારવાનો રામબાણ ઈલાજ છે.


૧૬)કોઈપણ ક્રિયામાં અતિને ટાળો (પરિમિતતા જાળવો) જીવનમાં સંતુલન કે સમતુલાનું ખૂબ મહત્વ છે. ખોરાક, વાણી, કાર્ય, આરામ, કસરત, વિચારો,પ્રેમ કાળજી(care) કોઈ પણ બાબત ન વધુ સારી કે ન ઓછી. ટૂંકમાં પ્રતિકારકશક્તિ જાળવવા કે વધારવા પરીમિતતા બેહદ મહત્વની છે. વધુ પડતું એક જ સ્થિતિમાં બેસવું નહીં તેમ જ વધુ ઊભા પણ રહેવું નહીં. “excess in everything is poison”
૧૭) નકારાત્મક વિચારો પર વિશેષ ધ્યાન આપો કેમ કે શરીરની શક્તિને ખતમ કરતુ તે અતિ જોખમી પરિબળ છે. શક્ય એટલા કસાયો જેવા કે સ્વાર્થ, ક્રોદ્ધ, લોભ, ઈર્ષા, અહંકારથી મુક્ત થવાનો પ્રયત્ન કરવો. ૧૮) તનાવ દૂર કરો – જે ત્રાટકવિદ્યા દ્વારા પણ થઈ શકે. શરીરની શારીરિક, માનસિક કે અધ્યાત્મિક શક્તિને ખતમ કરતુ મહત્વનું પરિબળ તનાવ છે.

૧૯) આત્મવિશ્વાસમાં વધારો કરો- મોટા-ભાગના લોકોની એક સામાન્ય સમસ્યા છે કે તેમને હંમેશા એવો ડર રહે છે કે મને રોગ થશે, કોઈકનું કશુક ખરાબ સંભાળે એટલે તેને થાય કે મને પણ થશે તો? રોગો, દુશ્મનો કે સમસ્યાઓ સામે લડવા માટે આત્મવિશ્વાસ અતિ સામર્થ્યવાન શસ્ત્ર છે. જે વ્યક્તિ હાર સ્વીકારી લે તેને કોઈ જીતાડી ન શકે.

૨૦) ઈશ્વર પર શ્રદ્ધા રાખવી- ઈશ્વર પરની શ્રદ્ધા આત્મવિશ્વાસમાં અનેકગણો વધારો કરે છે. મનને શાંત કરે છે જેથી દરેક સમસ્યાનું સમાધાન ઝડપથી મળે છે. ઈશ્વર પરની શ્રદ્ધા healing power માં વધારો કરે છે. અનિષ્ટો સામે લડવાનું બળ વધારે છે. આવા માનસિક અને આત્મિક બળવાન વ્યક્તિથી રોગો પણ દૂર જ રહે છે.

૨૧)સ્વાસ્થ્ય પ્રાપ્તિનો દ્રઢ સંકલ્પ કરવો – દુનિયામાં એવું કોઈ અશક્ય કામ નથી જે દ્રઢ સંકલ્પ વડે પ્રાપ્ત ન થઇ શકે. આપણે જો મક્કમપણે નિર્ધાર કરી લઈએ કે રોગપ્રતિકારક શક્તિ વધારવી જ છે અને સ્વાસ્થ્યપ્રાપ્તિ કરવી જ છે તો દુનિયાની કોઈ તાકાત રોકી શકે નહિ.
૨૨) Emotional quotient વધારી લાગણીને સમતોલ રાખવી. IQ થી વધારે પાવરફુલ EQ છે અને EQથી વધારે શક્તિશાળી SQ છે. જે વ્યક્તિની emotional તંદુરસ્તી અને અધ્યાત્મિક તંદુરસ્તી દર્શાવે છે.

૨૩) પવિત્ર આચરણ- પવિત્રતા કે શુધ્ધતા બે પ્રકારની હોય, આંતરિક અને બાહ્ય. બાહ્ય શુધ્ધતા સ્નાન અને યોગ્ય આહાર(ઉપવાસ) દ્વારા પ્રાપ્ત કરી શકાય. જયારે આંતરિક પવિત્રતા કષાયમુક્તિ, ઈશ્વરસ્મરણ,જપ-તપ, મંત્રોચ્ચાર, હકારાત્મકતા, યોગ-ધ્યાન વગેરે દ્વારા મેળવી શકાય. આંતરિક અને બાહ્ય પવિત્રતા રોગપ્રતિકારક શક્તિને અસર કરતુ અતિ મહત્વનું પરિબળ છે.

૨૪) પરોપકાર – અમેરિકામાં મધરટેરેસાના જીવનચરિત્ર અને પરોપકારના વીડીઓ સ્કૂલના બાળકોને બતાવવામાં આવ્યા, એ તપાસવા કે પરોપકારની વ્યક્તિ પર કેવી અસર પડે છે. સંશોધનના અંતે જાણવા મળ્યું કે બાળકોની લાળમાં રોગપ્રતિકારક તત્વોનું પ્રમાણ વધેલું. આમ જો પરોપકારની માત્ર વાર્તા રોગપ્રતિકારકશક્તિ પર આટલી અસર કરતી હોય તો વિચારો પરોપકાર કરનાર પર કેટલી ઉંચી અસર પડી શકે. આહાર વગર જીવનાર પણ પરોપકારના સહારે રોગોથી બચી શકે છે, એટલી મોટી તાકાત પરોપકારની છે. પરંતુ તે ઉત્તમ ભાવના અને સાચી સમજણ સાથે થવું જોઈએ.

૨૫) આદતો અને વ્યસનમુક્તિ – દારૂ, સિગારેટ,ગાંજો, અફીણ, બ્રાઉનસુગર, વધારે પડતી ચા-કોફી, તમાકુ, પાન-મસાલા વગેરે શરીરની તમામ પ્રકારની શક્તિને હણી લે છે. આ ઉપરાંત જીવનમાં એવી ઘણી આદતો જેવી કે ખાન-પાનની અનિયમિતતા, ઉઠવા-બેસવાનો અસંયમ, કાર્ય કરવાની ખોટી રીતો, અયોગ્ય વિચારો ઉપરાંત સામાન્ય દિનચર્યાની અનેક ખરાબ આદતો શરીરની રોગપ્રતિકારક શક્તિને હણી લે છે.
અહી જણાવેલા કારણો કે મુદ્દાઓ તો ઉલ્લેખ માત્ર છે કેમ કે આર્ટીકલની લંબાઈ અને શબ્દોની મર્યાદાને કારણે દરેક વિષે વધુ વિગતે માહિતી સમાવવી લગભગ અશક્ય છે. આરોગ્યને લગતા આવા અનેક મુદ્દાની વિગતે અને વૈજ્ઞાનિક સંશોધનોના સંદર્ભમાં માહિતી મેળવવા માટે મારું પુસ્તક “આરોગ્ય અને આયુષ્ય” અવશ્ય વાંચવું.

– Shilpa shah, director incharge, HKBBA college