ૐ માતૃદેવો ભવ:

હે પરમાત્મા ! આપો કલમને શક્તિ, 
કરી શકું માતૃશક્તિની શબ્દોથી ભક્તિ.
ૐ માતૃદેવો ભવ: 
10મી મે એટલે વિશ્વ માતૃત્વ દિવસ..
માતાના પોતાના પ્રત્યે નિસ્વાર્થ પ્રેમને સમજવાનો સાંકેતિક દિવસ.
વાંચીને મોઢું થોડું કડવું થશે પણ માતૃત્વને સમજવા આ વખતે કડવાશથી મીઠાશ તરફ જવાની ઈચ્છા સાથે લખી રહ્યો છું..  દેખાડો એ આજના સમાજની કડવી વાસ્તવિકતા છે અને તે દેખાડો દુનિયાના સૌથી પવિત્ર સંબંધ ‘ મા ‘ સુધી પહોંચી ગયો છે. જે વ્યક્તિ બીજાની માતા અને પોતાની માતામાં ભેદભાવ કરીને માતા વિષેની ગંદી ગાળો બોલી શકતા હોય તેવા વ્યક્તિ પોતાની માતા સાથેના સંબંધને દુનિયા સામે સારો દેખાડવા માટે જ માતૃભક્તિ કરવાનો ઢોંગ કરતા હોય છે. આટલું વાંચ્યા પછી વિચારી જુઓ શું કોઈની માતાને ઉભી બજારે પોતાના અંગત ઝઘડામાં વચ્ચે લાવી અપમાનિત કરવી યોગ્ય છે ?
ત્યાગમૂર્તિ મા આ શબ્દ વિષે પણ જરા વિચારવાની જરૂર છે. જ્યાં સુધી તમે નાના છો ત્યાં સુધી માતા ત્યાગ કરે, પોતાની ખુશીઓનું બલિદાન આપે એ વાત યોગ્ય છે પણ જ્યારે તમે મોટા થાઓ છો ત્યાર બાદ પણ તમારી માતાને પોતાની ખુશીઓનો ત્યાગ કરવો પડે છે, તો તમારું જીવતર લાજે છે, ટૂંકમાં પોતાની જિંદગીને પોતાની રીતે જીવી શકે પોતાના નિર્ણયો પોતે લઈ શકે તે વ્યવસ્થા કરવી શું એ પુત્ર-પુત્રીની ફરજ નથી ?
પોતાના પરિવારથી ડરતી માતા આ પણ કડવું સત્ય છે, નાની હોય ત્યારે પિતા અને ભાઈથી ડરે છે, લગ્ન કરીને પતિથી ડરે છે, માતા બન્યા પછી મોટા થતા પોતાના જ બાળકોથી ડરે છે. માતાને પોતાના પરિવારમાં ડરવાની જરૂર ના પડે, તે ખુશીઓને  જીવી શકે, પોતાના મંતવ્યો રજૂ કરી શકે, નિર્ભય થઈને પોતાની વાત મૂકી શકે. શું કોખજણ્યાનો માનવ તરીકેનો જન્મ આ રીતે સાકાર ના થઈ શકે ?
પોતાના માતા-પિતાના કારણે અયોગ્ય લગ્ન સંબંધમાં બંધાઈ ને, પોતાના પતિને માલિકની જેમ રાખી, આખી જિંદગી નોકરાણી બનીને પોતાના બાળકો માટે જીવતી માતાને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવી તે તેના યુવાન બાળકોનું કર્તવ્ય છે.. શરાબી જુઆરી, અભિમાની અને યાંત્રિક પિતાને સત્યના દર્શન કરાવવા એ માતૃપ્રેમી બાળકોની જવાબદારી છે.
જ્યાં સુધી દુનિયામાં તાકતવર માતાઓ ના હોય ત્યાં સુધી દુનિયાને યોગ્ય માનવી જન્માવવાની અસમર્થતા રહેશે જ.. બાળકો પિતાના યાંત્રિક જીવનના અનુભવો અને માતાના ચેતનવંતા જીવનના અનુભવો લઈને દુનિયામાં આવતા હોય છે અને સમાજમાં જેવી માતાઓની હાલત હોય છે તે હિસાબે જોતા બાળકો વધારે યાંત્રિક જીવન તરફ ખેંચાય તેમાં કંઈ અજુગતું નથી. જો માતા તાકતવર હોય તો બાળક ચેતનવંતુ થાય, નિષ્ઠાવાન બને અને યોગ્ય જીવન તરફ આગળ વધે.
સ્ત્રીને બાળક જન્માવવાના આશીર્વાદ આપીને ઈશ્વરે તેને પહેલા જ પોતાનો અંશ ગણાવી દીધી છે, પણ તે પ્રેમ, સુંદરતા અને કોમળતાનું પ્રતિક પણ છે એટલે પુરુષને તેની આસપાસ તેના રક્ષક તરીકે જન્મ આપ્યો છે.. પણ જ્યારે વ્યવસ્થામાં ખરાબી આવે અને રક્ષક પોતાને માલિક સમજવા માંડે ત્યારે સ્ત્રીની હાલત ખરાબ થાય છે.. પછી એ જ નિર્બળ સ્ત્રી જયારે માતા બને ત્યારે તે અયોગ્ય બાળકોને જન્મ આપે છે..
માતા હોવું એ કેટલી જવાબદારીનું કામ છે એ સમજવા માટે પોતે માતા થવું જરૂરી છે કે પછી પોતાની માતાને ભગવાનનો દરજ્જો આપી તેની મનોમન પૂજા કરવાથી સમજી શકાય છે.. એક સ્ત્રી જયારે ગર્ભ ધારણ કરીને માતા બને છે ત્યારથી લઇ ને આજીવન તે પોતાના બાળકો માટે હકારાત્મકતાનો કવચ બની જાય છે આમ માતા એ દરેકના જીવનનો અદ્રશ્ય શક્તિ સ્ત્રોત છે.. માતૃત્વની સુગંધ હજારો ગુલાબ ભેગા કરવાથી પણ નથી મળતી.. પિતાએ બહારી જીવનનો છાંયડો છે પણ માતા આંતરિક શાંતિ નો સ્ત્રોત છે.. થોડીવાર માટે માતાના ખોળામાં માથું નાખીને સુઈ રહેવાથી ભલભલી મુશ્કેલીઓ સામે લડવાની તાકાત મળી જાય છે.. માતાના આશીર્વાદથી મનની બંધાયેલી ગાંઠો છૂટી જાય છે કારણકે માતા એ હકારાત્મક શક્તિનો સ્ત્રોત છે, નિસ્વાર્થ પ્રેમની મૂર્તિ છે, પૃથ્વી પર ઈશ્વરીય ઉર્જા ને મહેસૂસ કરવાનો એક અવસર છે.

છેલ્લું સીન : જેને આંખો બંધ કરીને પોતાની માતાનો ચહેરો યાદ કરવા કહે તો ના દેખાય એ બધા જ ઢોંગી લોકો વિશ્વ માતૃત્વ દિવસે પોતાની માતા સાથે, માતાના મોઢા પર જરાય સ્માઈલ ન હોય તેવી સેલ્ફી મૂકીને માતા પ્રત્યે પોતાનું કર્તવ્ય પૂરું સમજી ને ખુશ થતા જોવા મળશે.

– પ્રીત લીલા ડાબર