મમ્મી થઇએ પછી મમ્મી સમજાય 

મમ્મી, આજે હુંય છું મમ્મી, હુંય કરું છું વ્હાલ
મમ્મી,આજે હુંય છું મમ્મી,પૂછું એક સવાલ
મમ્મી, તું થાકતી ન્હોતી,
કે થાકેલી લાગતી ન્હોતી ?

મને યાદ છે નાનાં હતાં ને કરીએ જે તોફાન
કદીક તારી સામે બોલી કર્યું હશે અપમાન વેકેશનમાં બની જતું ઘર રમત તણું મેદાન
રમીએ,લડીએ, કદીક રડીએ,કરીએ કૈં નુકસાન

વ્હેલી ઉઠે, ડેડી માટે કરે ટિફીન તૈયાર
લંચબોક્સમાં રોટલી સાથે વ્હાલપ ભારોભાર
ગૂંચ ઉકેલી વાળ ઓળતી ભલે લાગતી વાર
તું ઘરમાં ને ઘર તારામાં ધબકે સાંજ સવાર
મમ્મી, આજે હુંય છું મમ્મી,હુંય કરું ઘરકામ
મમ્મી,આજે હુંય છું મમ્મી, કરવો ગમે આરામ
મમ્મી, તું થાકતી ન્હોતી,
કે થાકેલી લાગતી ન્હોતી ?

મને યાદ છે મારા માટે ઓઢણી તું લાવી’તી
કેટલો આનંદ આંખમાં આંજી રુમમાં તું આવી’તી
જીન્સ ટીશર્ટની ઉપર ઓઢણી સ્હેજે ના ફાવી’તી
વારંવાર તું સરખી કરતી ને મેં સરકાવી’તી

હુય ફોન પર કરતી’તી કૈં લાંબી લાંબી વાતો તેંયજાગતાં વાટ જોઇ છે કેટલીયે નવરાતો
ડેડીને ના જાણ થતી કૈં એવી મુલાકાતો
મમ્મી, તું સમજી જાતી’તી રંગ શરમનો રાતો
મમ્મી, આજે હુંય છું મમ્મી, ચિંતા કરું નિરંતર
મમ્મી, આજે બાળકો સાથે વધતું ચાલ્યું અંતર
મમ્મી મૂંઝાતી ન્હોતી
કે અમને દેખાડતી ન્હોતી ?

કંકુ છાંટી કંકોતરી ને માણેકથંભ રોપાવ્યો
ટોડલિયે તોરણિયા ઝૂલ્યા, ચંદરવે બંધાવ્યો
મનના માણીગરને પોંખ્યો, જાન લઇ જે આવ્યો
મીંઢળ બાંધ્યા હાથમાં મમ્મી, હેતે હાથ ભળાવ્યો
તું કહેતી કે દીકરી તો છે બંને ઘરનો દીવો
જે અજવાળે બેઉ ઘરને ,એવી રીતે જીવો
ગમતાં સાથે અણગમતું પણ હસતાં હસતાં પીવો
સંબંધોનું વસ્ત્ર વ્હાલથી હળવે હાથે સીવો
મમ્મી, આજે હુંય છું મમ્મી, કરું તને હું યાદ
મમ્મી, આજે હુંય છું મમ્મી,
કરીશ નહીં ફરિયાદ

તોય તે મન કહેતું મારું,
મમ્મી હોય તો કેવું સારું !

– તુષાર શુક્લ