મમ્મી , તારી વિદાય સમયે અમે એટલા નાના ન્હોતા…

મમ્મી ,
તારી વિદાય સમયે અમે એટલા નાના ન્હોતા.
પણ
હવે વયમાં એટલા મોટા થઇ ગયા છીએ કે
સ્મરણ ઝાંખા થઇ ગયાં છે.
માઇક્રોફોનમાંથી આવતો મારો અવાજ તને ઓળખાય ?
તું મને ઓળખી તો લે ને આ લાંબા ધોળા વાળ દાઢીમાં , મમ્મી ?

તને યાદ કરવા મથું તો આછા પાતળા યાદ આવે.
કેટલાંક દ્રશ્ય …
પણ એય તે માંડ પાંચ સાત ….

પ્રયત્ન કરું ને ગોઠવું frame
તો તું દેખાય રસોઇ કરતી
મને પાસે બેસાડી સ્લેટમાં દાખલા ગણતી
SSCમાં ગણિત સાથે પાસ થાઉં એટલે !

સાંજે બસસ્ટેન્ડ પર તારી રાહ જોતાં ઉભેલા અમે
તું આવે ત્યારે
તારા હાથમાંથી શાકની થેલી લઇ
તારી સાથે ચાલતાં.

ક્યારેક તારી ઓફિસમાં
ક્યારેક ત્યાંથી સાથે તાજિયા ને રથયાત્રા જોતા.

ઘેર પેપર તપાસવાના એ દિવસો..
પરિવાર આખો એમાં જોડાય.
પેપરના બંડલ પર કાર્બન પેન્સીલથી ભીના અક્ષરે
સરનામું લખાય.
લાખથી સીલ કરાય એને વિસ્મયથી જોતાં.
ઘર સુધી પ્હોંચી ગયેલી ત્યક્તા માનું મિઠાઇ ું પડીકું પાછું આપી
ચા પીવડાવી , વળતાના ભાડાનું પૂછતી તું..

માંદગી સમયે
આંગણામાં આરામખુરશીમાં સુતેલી તું
પગ ભીની માટીમાં ને માથે ભીનું કપડું.
ને એ પછી
આંગણાના ગુલમ્હોર નીચેથી સ્ટ્રેચરમાં રવાના
હોસ્પિટલનો એ એ.સી. ઓરડો
તેં કહેલું કે “ મરવાનું ગમે એવો ..”
ને
એક સમાચાર આવ્યા કે તું ગઇ !
બસ..
પછી સ્મશાનેથી પાછા ને પૂર્વવત જીવનમાં.
તારું જવું એટલે શું જવું એ પણ ક્યાં સમજાયું ?

ત્યારે
તસ્વીરો લેવાની આજ જેવી અનુકૂળતા ક્યાં ?
ત્યાં અવાજ record કરી રાખવાનું તો હોય જ શું ?
ને આ કશું સૂઝ્યું પણ ક્યાં ?
જોકે એ સમયે એવી ખબર પણ ક્યાં હતી કે…
ખેર ,
આજે હવે કેટલી સરળતાથી
તસ્વીરો, વક્તવ્યો , કાવ્યપાઠ સાચવી શકાય છે
ત્યારે
આંખ ઝંખે છે તને જોવા
કાન તારો અવાજ સાંભળવા
એ હોત તો તારા સ્પર્શની ગેરહાજરી ન લાગત .

યાદ કરી તો કેટલી વાતો યાદ આવી ,નહીં , મમ્મી ?
સમયના પટ પર સ્મરણના પગલાંમાં સચવાતી
મા ભૂલાતી નથી.

~ તુષાર શુક્લ