આવો બુદ્ધપૂર્ણિમાનાં પાવન-દિને જાણીએ ભગવાન બુદ્ધનું તત્વજ્ઞાન

ભાગવત પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુના થઈ ગયેલા નવ અવતારોમાં એક અવતાર એટલે બુદ્ધ અવતાર. કોઈપણ પ્રકારની જીવહિંસાથી દૂર રહેવું અને જીવનરૂપી દુઃખમાંથી મુક્ત થવું એ ભગવાન બુદ્ધનો મુખ્ય ઉદ્દેશ કે તત્વજ્ઞાન હતું. જે બંનેની યથાર્થ સમજણ કળિયુગના હિંસાત્મક અને પીડામય વાતાવરણમાં અનિવાર્ય છે. ભગવાન બુદ્ધના જીવનચરિત્ર દ્વારા સમજાય છે કે સામાન્ય બાબતને અસામાન્ય રીતે જોવાની દૃષ્ટિ જ મનુષ્યને માનવમાંથી મહામાનવ કે અવતાર બનાવે છે. ભગવાન બુદ્ધનો માર્ગ એવી સામાન્ય ત્રણ બાબતો નજરે પડવાથી બદલાયો જે આપણે સૌ દરરોજ વર્ષોથી જોતા આવ્યા છીએ. વૃદ્ધત્વ, રોગો (બીમારી) તેમજ મૃત્યુ. પરંતુ ભગવાન બુદ્ધને જ્યારે આ ત્રણ બાબતો નજરે પડી ત્યારે તેમને થયું કે આ તો ભયંકર દુખપૂર્ણ સ્થિતિ છે વળી સંસારના દરેક જીવનું જો આ જ કિસ્મત હોય તો દરેકે એમાંથી છૂટવાનો પ્રયત્ન તો કરવો જોઈએ. આ વિચાર સાથે તેમણે સંસાર છોડ્યો ખૂબ પરિભ્રમણ કર્યું અનેક સંતો-મહંતો, મહાનુભવોને મળ્યા, દુઃખમુક્તિનો માર્ગ શોધવાનો પ્રયત્ન કર્યો. ભગવાન મહાવીર સ્વામીના ચિંધ્યા તપમાર્ગે પણ ચાલ્યા પરંતુ એક દિવસ અતિ નબળાઈને કારણે નદીમાં ન્હાવા ગયા તો અશક્તિના કારણે પડી ગયા. ત્યારબાદ તેમને સમજાયું કે દરેકે પોતાની પ્રકૃતિને માફક આવે તે પ્રમાણેનો માર્ગ પસંદ કરવો જોઈએ, આમાં અનુકરણ ન ચાલી શકે અને તેમણે યોગમાર્ગની એક વિશિષ્ઠ જ્ઞાનબારી તરફ અંગુલી નિર્દેશ કર્યો. દુઃખમુક્તિ કે ઈશ્વરપ્રાપ્તિ આમ તો બંને એક જ વાત છે, પરંતુ બંને માટે માર્ગો અનેક છે. જેમ કે કર્મમાર્ગ, જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ, તપમાર્ગ, યોગમાર્ગ વગેરે વગેરે. એકાંતમાં યોગધ્યાન કરતા બોધિવૃક્ષ નીચે ભગવાન બુદ્ધને વિશેષ બોધ થયો (એટલે કે જ્ઞાન પ્રાપ્ત થયું) ત્યારથી તેઓ બુદ્ધ કહેવાયા. ભગવાન બુદ્ધના તત્વજ્ઞાનમાં મુખ્યત્વે નીચેની બાબતોનો સમાવેશ થાય છે.
૧) સૌથી મહત્વના ચાર આર્યસત્યો બુદ્ધધર્મનો પાયો છે. આ આર્યસત્યો દરેક યુગમાં સાચા છે. જે સંપૂર્ણપણે દુખની વિભાવના પર આધારિત છે a) જીવન જ દુઃખ છે b) દુઃખનું કારણ છે c) દુઃખમુક્તિ શક્ય છે d) દુઃખમુક્તિના ચોક્કસ માર્ગો છે.

૨) અષ્ટાંગયોગની સમજૂતી એટલે કે સમ્યક્ દ્રષ્ટિ (એટલે જીવનમાં શું પ્રાપ્ત કરવા જેવું છે તેની સમજ), સમ્યક્ સંકલ્પ (જે કેવળ માનસિક ભૂમિકા પર રહેલું છે, સંકલ્પ એ બળ છે, સંકલ્પએ મક્કમ નિર્ણય છે જેના વગર સિદ્ધિ શક્ય નથી), સમ્યક્ વાણી (એટલે વિવેકપૂર્ણ,મધુર,કલ્યાણકારી વાણી જેના દ્વારા કોઈનું અહિત ન થાય કે કોઈને દુખ ન થાય), સમ્યક સ્મૃતિ (એટલે યાદદાસ્ત નહિ પરંતુ સાવધાની ,અહી આધ્યાત્મિક જાગૃતિની વાત છે), સમ્યક્ કર્મ (એટલે વિવેકપૂર્ણ આચરણ મતલબ ઇષ્ટકર્મ કરવું અને અનિષ્ટથી દુર રેહવું), સમ્યક આજીવિકા (જરૂરિયાતો ઓછી કરવી અને પ્રમાણિકતાપૂર્વક આજીવિકા મેળવવી), સમ્યક વ્યાયામ (એટલે ધ્યેય પ્રાપ્તિના પ્રયત્નો જે ઇષ્ટ હોવા જોઈએ) અને સમ્યક સમાધિ (જે અષ્ટાંગ માર્ગનું છેલ્લું ચરણ છે,સમાધિ એટલે ચિત્તની સ્વસ્થ અને સંતુલિત અવસ્થા). આવા આઠ અંગોની સાધના એટલે અષ્ટાંગયોગ, જેમાં સમ્યક્નું વિશેષ મહત્વ છે એટલે કે કોઈપણ વસ્તુનો અતિ કે અભાવ યોગ્ય નથી. દરેકનુ ખૂબ વ્યાજબી પ્રમાણ ઉત્તમ પરિણામ આપી શકે. આપણે સૌ જાણીએ છીએ કે આહાર ઓછો નુકશાનકારક તેમ જ વધુ પણ જોખમી, તે જ રીતે કસરત વધુ કે ઓછી બંને તકલીફકારક, વળી પ્રેમ, નફરત, ઊંઘ, કાર્ય જેવી દુનિયાની કોઈ પણ બાબત ઉદાહરણ લઇ લો સમજાશે કે ભગવાન બુદ્ધની સમ્યક્ અંગેની સલાહ કેટલી અસરકારક છે.
૩) ભગવાન બુદ્ધના ત્રણ મુખ્ય સિદ્ધાંતો a) શીલ – જેમાં દસ કુકર્મોમાંથી ( જેવા કે હિંસા,અસત્ય,ચોરી, વ્યાભિચાર)દૂર રહેવાની સલાહ છે. b) સમાધિ – જેમાં દસ ઉત્તમગુણો (જેવા કે ધીરજ,પવિત્રતા, ક્રોધમુક્તિ, ક્ષમા, ઇન્દ્રિયો પરનો કાબૂ, દયા, વિદ્યા) પ્રાપ્ત કરવાની સલાહ છે. c) પ્રજ્ઞા – એટલે વિશેષ પ્રકારની ઉત્તમ સમજણ કે સદબુદ્ધિ જે ભ્રમ દૂર કરી ઈશ્વર સુધી પહોંચાડવામાં મદદરૂપ થઇ શકે. આ ત્રણ બુદ્ધધર્મના મુખ્ય સિદ્ધાંતો છે.
૪) સૌથી મહત્વની વાત જેના કારણે ભગવાન રાજકુમાર સિદ્ધાર્થ બગવાન બુદ્ધ બન્યા, એટલે કે દુઃખ શું છે? દુઃખનાં કારણો શું છે? દુઃખમાંથી મુક્ત થવું શક્ય છે કે નહિ? જો દુઃખમુક્તિ શક્ય હોય તો કેવી રીતે? જેના માટે તેમણે દુઃખની દ્વાદશ પ્રક્રિયા સમજાવી. દ્વાદસ એટલે દસ અને બે એટલે બાર. આમ બાર તબક્કાની પ્રક્રિયા એટલે દ્વાદસ . જે મનુષ્ય માટે સમજવી અતિ આવશ્યક છે, કેમ કે સમજણ વગર કોઈપણ તકલીફમાંથી મુક્ત થવાય કેવી રીતે?
દુખની દ્વાદસ પ્રક્રિયા

બુદ્ધના મતે જીવન દુખ છે જન્મ, મરણ, જરા અને વ્યાધિ જીવનના મુખ્ય દુખ છે. જરા એટલે વૃધ્ત્વ અને વ્યાધી એટલે રોગો. જે તમામ જન્મ સાથે જોડાયેલા છે. આમ જન્મ(જીવન) એ જ દુખ છે. આ તમામ દુખ પાછળ જવાબદાર કારણ માત્ર એક છે અને તે તૃષ્ણા કે કામના છે. અનંત ઈચ્છાઓ જ દુખનું કારણ છે. દુઃખમુક્તિ તૃષ્ણાના ક્ષય દ્વારા જ શક્ય છે. ઇચ્છાઓની પૂર્તિ કરતા કરતા જીવન સમાપ્ત થઇ જાય છે પરંતુ ઈચ્છા પૂરી થતી નથી.ઈચ્છાપૂર્તિની દોડમાં અનેક દુખો જીવ સહન કરે છે, થાકી જાય છે પરંતુ સુખ મળતું નથી જેથી બુદ્ધ કહે છે કે દુખમુક્તિ માટે અનંત કામના,વાસના,ઈચ્છામાંથી મુક્ત થવું જરૂરી છે. દુઃખનિવારણનો એક માત્ર ઉપાય અષ્ટાંગયોગ માર્ગ છે. જેના આઠ અંગો આગળ આપણે જોયા. ભગવાન બુધ્ધે 12 તબક્કાની જે પ્રક્રિયા દર્શાવી છે તેની શરૂવાત જન્મથી થાય છે. આ પ્રક્રિયાને ટૂંકમાં નીચે પ્રમાણે દર્શાવી શકાય.
દુખ – જન્મ -ઉપાદાન – તૃષ્ણા – વેદના – સ્પર્શ – ષડાયતન – નામરૂપ – ચૈતન્ય- પૂર્વજન્મના સંસ્કાર – અવિદ્યા – જન્મ – દુખ.
૧) દુઃખનું કારણ જન્મ છે. કેમ કે જીવ માત્રના મુખ્ય ચાર દુખ છે, જન્મ, મરણ, જરા અને વ્યાધિ. જેની શરૂવાત જન્મથી થાય છે જો જન્મ નથી તો મરણ, વૃધ્તત્વ કે રોગો કે અન્ય ઉપાધિ નથી.
૨) જન્મનું કારણ છે ઉપાદાન એટલે સંસારમાં અટવાઈ રહેવાની અભિલાષા એટલે અગણિત કામનાઓ જે જીવને સંસારના મોહમાંથી છૂટવા દેતી નથી.
૩) ઉપાદાનનું કારણ તૃષ્ણા એટલે કે અતૃપ્તિ, યુગો-યુગોથી શરીર, સંબંધો અને સંસારના ભૌતિક અને ક્ષણિક સુખો જીવ ભોગવતો આવ્યો છે છતાં તૃપ્તિ નથી થતી કેમ કે આ તો અગ્નિમાં ઘી નાખવા જેવું કામ છે. જેથી સતત તૃષ્ણા રહ્યા કરે છે.
4) તૃષ્ણાનું કારણ વેદના છે એટલે જે છે તેનાથી ઘણું વધારે જોઈએ છે. અન્ય પાસે ઘણું છે અને મારી પાસે નથી અથવા બીજા જે સુખ ભોગવે છે તે મારે જોઈએ છીએ, એ વેદના છે જે જીવને તૃપ્તિ થવા નથી દેતી.

૫) વેદનાનું કારણ ઇન્દ્રિયો દ્વારા થતો બાહ્ય જગતનો સ્પર્શ છે. એટલે કે અન્યનું જોઈ દેખાદેખી જે મેળવ્યું તેનાથી થોડો સમય આનંદ મળે છે. એટલે કાર, બંગલો, એસી, વિશ્વયાત્રા, સત્તા, સમાજમાં ઉંચી પોસ્ટ, માન-મોભો, પ્રેમાળ સંબંધો વગેરે બાહ્ય જગત સાથેનો સંપર્ક છે જે વેદનાનું કારણ છે કેમ કે આજે જે બાબતે આનંદ આપ્યો તે કાલે તમારી અપેક્ષા પ્રમાણે ન વર્તતા વેદના થાય છે.
૬) સ્પર્શનું કારણ ષડાયતન છે(ષડ એટલે છ એટલે પાંચ ઇન્દ્રિયો અને એક મન) એટલે કે મન અને ઇન્દ્રિયોને દરરોજ કૈક નવું જોઈએ છીએ જે સતત મળી રહેવું મુશ્કેલ છે અને પરિવર્તન દુખ આપે છે. આમ સ્પર્શનું કારણ ષડાયતન છે.
૭) ષડાયતનનું કારણ નામ–રૂપ(શરીર)છે.એટલે કે મન અને ઇન્દ્રિયો પાછળ જવાબદાર કારણ નામરૂપ આ શરીર છે.
૮) નામ-રૂપનું કારણ ચૈતન્ય છે એટલે શરીરમાં રહેલી ચેતના, આત્મા કે પ્રાણ છે.

૯) ચૈતન્યનું કારણ પૂર્વજન્મના સંસ્કાર છે એટલે કે આત્મા મનની અધૂરી ઈચ્છાઓને કારણે શરીરનું બંધન સ્વીકારે છે, વળી પૂર્વજન્મના અનેક પરિબળો, કર્મો, સ્વભાવ, અને સંસ્કારો અર્ધજાગૃતમન પર અંકિત થાય છે જે વારંવાર જન્મનું કારણ બને છે.
૧૦) સંસ્કારનું કારણ અવિદ્યા છે. આવા પૂર્વજન્મના સંસ્કારોનું કારણ અવિદ્યા છે એટલે કે મિથ્યાતત્વ. ક્ષણિક ને કાયમી સમજવાની ભૂલ.સંસાર ક્ષણિક હોવા છતાં આપણે તેને કાયમી સમજી બેસીએ છીએ. મૃત્યુને ભૂલી, સતત બિનજરૂરી ચીજો ભેગી કરવામાં અમૂલ્ય જીવન વેડફી નાખીએ છીએ. આમ જ્ઞાનપ્રાપ્તિનું ધ્યેય અધૂરું રહી જતા અવિદ્યા કે અજ્ઞાનને કારણે જન્મ-મરણનું ચક્કર ચાલ્યા જ કરે છે.
૧૧) અવિદ્યા એ જ જન્મનું કારણ છે. અવિદ્યા છે ત્યાં સુધી જન્મ છે અને જન્મ છે ત્યાં સુધી દુખ છે. જયારે સાચું જ્ઞાન ( આત્મા અને પરમાત્માનું જ્ઞાન) પ્રાપ્ત થશે ત્યારે જન્મ અને દુઃખમાંથી જીવની મુક્તિ થશે.

૧૨) જન્મ છે એટલે દુખ છે. આમ દુખ માટે જવાબદાર કારણ જન્મ છે, જન્મ માટેનું જવાબદાર કારણ અવિદ્યા કે અજ્ઞાન છે, અવિદ્યાનું કારણ પૂર્વજન્મના સંસ્કાર છે, જેના કારણે ચૈતન્ય(આત્મા) શરીર, મન અને ઇન્દ્રિયોના બંધનમાં છે, જે માટે અનેક અતૃપ્ત ઈચ્છાઓ જવાબદાર છે જે ફરી જન્મનું કારણ છે. આમ આ જન્મ-મરણનું ચક્ર અવિરત ચાલુ રહે છે. જેનાથી બચવાનો એક માત્ર ઈલાજ સાચું જ્ઞાન છે. આવું જ્ઞાન સંયમ વધારશે, અમર્યાદિત ઈચ્છાઓ અને જન્મથી મુક્તિ અપાવશે. અંતે જન્મથી મુક્તિ એટલે તમામ દુઃખોથી મુક્તિ.