દેશમાં 20 કરોડથી વધુ પરિવારોને 1 કી.ગ્રા. દાળનું વિતરણ કરવા માટે જંગી કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. આ કામગીરી માટે દાળની હેરફેર અને પિલાણની કામગીરી શરૂ થઈ ગઈ છે. હાલના કટોકટીના સમયમાં લોકોની પ્રોટીનની જરૂરિયાત પૂરી પાડવા માટે કેન્દ્ર સરકારે 1 કી.ગ્રા પિલાણ કરેલી અને સાફ કરેલી દાળ દરેક એનએફએફએસ પરિવારને 3 માસ સુધી પહોંચાડવા માટે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન આયોજન (પીએજીકેએવાય) કર્યું છે.
નાફેડ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી આ યોજનાને કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના વિભાગનું માર્ગદર્શન પ્રાપ્ત થયું છે. આ કામગીરીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના ગોડાઉનોમાંથી પિલાણ નહીં થયેલું કઠોળ ઉપાડવું અને તેનુ પિલાણ કરી એફએસએસએઆઈના ગુણવત્તાના ધોરણો મુજબ સફાઈ કરી રાજ્યોને પહોંચાડવાની કામગીરીનો સમાવેશ થાય છે. તે પછી આ પિલાણ કરેલી દાળ રાજ્ય સરકારોના ગોદામોમાં લઈ જવામાં આવે છે અને ત્યાર પછી સસ્તા અનાજની દુકાનોએથી તેનું વિતરણ કરવામાં આવે છે.
નાફેડ દ્વારા મિલરોની પસંદગી ઓનલાઈન હરાજી, આઉટ ટર્ન રેશિયો (ઓટીઆર) બીડ મારફતે કરવામાં આવે છે. ઓટીઆર બીડીંગમાં મિલરોની પેનલ નક્કી કરવામાં આવી હોય છે, જે દરેક પિલાણ વગરના કઠોળમાંથી ક્વિન્ટ દીઠ કેટલી દાળ પ્રાપ્ત થશે તેનો જથ્થો અને ખર્ચ જણાવે છે. આ ઉપરાંત સફાઈ, પિલાણ, પેકીંગ, લાવવા- લઈ જવા માટેની પરિવહન વિગતને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે. 50 કી.ગ્રા.ના કોથળાઓમાં પેકીંગ કરવામાં આવે છે. મિલરોને કોઈ પિલાણ ચાર્જ ચૂકવવામાં આવતો નથી. મિલરોને જૂથમાં વહેંચવામાં આવે છે. જે રાજ્યોમાં કઠોળનું ઉત્પાદન થતું હોય તે રાજ્યોમાં ઉપલબ્ધ કાચા માલ અને મિલરોને અગ્રતા આપવામાં આવે છે અને કેન્દ્ર સરકાર વિતરણના ખર્ચ ઉપરાંત રેશન શોપના વિવિધ ખર્ચા ભોગવે છે.
અનાજ કઠોળના હેરફેર માટેની આ કામગીરીનો વ્યાપ એટલો મોટો અને સંકુલ પ્રકારનો છે કે દરેક કી.ગ્રા. દાળ ઓછામાં ઓછા ત્રણ તબક્કામાંથી પસાર થાય છે. (કેટલાક કિસ્સામાં 4 તબક્કા હોય છે). ટ્રક મારફતે અનેક વખત લોડીંગ- અનલોડીંગ કરવું પડે છે. લાંબા અંતરે દાળ મોકલવાની હોય ત્યારે ગુડ્ઝ ટ્રેનનો ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં રોડ માર્ગે પરિવહન કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં આશરે 8.5 લાખ મે.ટન પિલાણ નહીં કરાયેલા જથ્થાની હેરફેર કરવામાં આવે છે અને આશરે 5.88 લાખ મે.ટન પિલાણ કરેલી સ્વચ્છ દાળનું લોકોને વિતરણ કરવામાં આવે છે. સરકારે આ યોજના હેઠળ દેશભરમાં આવેલા નાફેડના આશરે 150 ગોદામોમાં પડેલી દાળનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. દેશની આશરે 100 જેટલી દાળ મિલો અત્યાર સુધી નાફેડ દ્વારા હાથ ધરાયેલી આ કામગીરીમાં જોડઈ છે.
દર મહિને સસ્તા અનાજની દુકાનો મારફતે એનએફએસએ પરિવારોને 1.96 લાખ મે.ટન દાળનું વિતરણ કરવામાં આવે છે. આશરે ત્રણ ચતુર્થાંશ જેટલી પિલાણ કરેલી અને સફાઈ કરેલી (1.45 લાખ મે.ટનથી વધુ) દાળ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ઓફર કરવામાં આવી છે. કેટલીક રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારો તેમના પ્રદેશમાં દાળની મિલો ધરાવતી નથી તેમને પિલાણ કરેલી દાળ જાતે ઉપાડી લેવા અને પ્રક્રિયાને વેગ આપવા જણાવ્યું છે.
રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ તેમની માસિક જરૂરિયાતનો એક તૃતિયાંશ જથ્થો ઉપાડ્યો છે અને 17 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ જથ્થો પહોંચી ગયો છે, જેમાં આંધ્ર પ્રદેશ, આસામ, છત્તીસગઢ, દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, આંદામાન, ચંદીગઢ, ઓડીશા, તામિલનાડુ અને તેલંગણાએ વિતરણની કામગીરીનો પ્રારંભ કર્યો છે. કેટલાક અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ મે માસના પ્રથમ સપ્તાહમાં જ અનાજની સાથે સાથે દાળનું વિતરણ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ પ્રક્રિયામાં સોશ્યલ ડીસ્ટન્સીંગ અને જાહેર સલામતિનું ધ્યાન રાખવામાં આવશે. આજની તારીખે આશરે 30 હજાર મે.ટન દાળનું વિતરણ કરવામાં આવ્યું છે, પરંતુ મે માસના પ્રથમ સપ્તાહમાં આ કામગીરીને વેગ મળશે. ઘણાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો કે જે નાના છે અને તેમાં આંદામાન, ચંદીગઢ, દાદરાનગર હવેલી, ગોવા, લદાખ, પોંડીચેરી, લક્ષદીપ અને પંજાબને પણ એક સાથે ત્રણ માસનો પિલાણ કરેલો અને સાફ કરેલો જથ્થો પૂરો પાડવામાં આવશે.
ગ્રાહક બાબતોના વિભાગે ખેતી અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની સહાયથી અધિકારીઓના 5 જૂથોની રચના કરી છે, જેનું નેતૃત્વ સંયુક્ત સચિવ સંભાળે છે અને રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો, નાફેડ, દાળ મિલો અને વેરહાઉસીંગ કોર્પોરેશનો સાથે સંકલન કરે છે. કૃષિ વિભાગના સચિવ અને ગ્રાહક બાબતોના વિભાગના સચિવ સંયુક્તપણે રોજે રોજ આ કામગીરીની સમિક્ષા કરે છે અને ક્ષેત્રિય સ્તરે જો કોઈ અવરોધ હોય તો તેનો નિકાલ કરે છે. કેબિનેટ સચિવ વ્યક્તિગત રીતે રોજે રોજ થતી વિતરણ કામગીરીની સમિક્ષા કરે છે.
દાળનું આટલું મોટું જંગી વિતરણ ગ્રાહક બાબતોના વિભાગે સૌ પ્રથમ વખત હાથ ધર્યું છે. આ કામગીરીમાં આશરે બે લાખ જેટલી ટ્રકના ફેરાનો સમાવેશ થશે અને માલ ભરવા તથા ખાલી કરવાની કામગીરીમાં 4 સપ્તાહ કરતાં વધુ સમય લાગશે. સામાન્ય સંજોગોમાં આ કામગીરીને મહત્વાકાંક્ષી ગણવામાં આવે છે, પણ ઘણી બધી દાળ મિલો અને ગોડાઉનો હોટસ્પોટસ વિસ્તારમાં આવેલા હોવાથી લૉકડાઉનના સમયમાં આ કામગીરી પડકારરૂપ બની રહી છે. આવા વિસ્તારોમાં કામગીરીમાં સલામતિ જાળવવાનું ખૂબ જ મહત્વનું છે. આવા વિસ્તારોમાં લોડીંગ અને અન-લોડીંગ માટે ટ્રક્સ અને મજૂરોની ઉપલબ્ધિ પણ એક સમસ્યારૂપ બાબત બની ગઈ છે.
મોટા ભાગના લાભાર્થીઓને એપ્રિલની અંદર અથવા તો મોડામાં મોડા મે માસના પ્રથમ અઠવાડિયામાં પ્રથમ મહિનાનો ક્વોટા મળી જશે. કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો એક સાથે ત્રણ માસની દાળના જથ્થાનું વિતરણ એક સાથે કરી દેશે. બાકીના રાજ્યો મે માસમાં જ ત્રણ માસના જથ્થાનું વિતરણ કરી શકે તેવા પ્રયાસો થઈ રહ્યા છે. મહદ્દ અંશે મે માસના ત્રીજા સપ્તાહમાં આ કામગીરી પૂર્ણ કરવાનો અંદાજ છે. તા.24 એપ્રિલ, 2020ના રોજ ગ્રાહક બાબતોના સચિવે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ કરેલી કામગીરીની સમિક્ષા કરી હતી તથા ગ્રાહક બાબતોના સચિવે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ કરેલી તૈયારી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને તેમના સહયોગ અને સમર્થન બદલ આભાર માન્યો હતો તથા એવી આશા વ્યક્ત કરી હતી કે આગામી સપ્તાહોમાં આ કામગીરીમાં વેગ આવશે.