કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી શ્રી રામવિલાસ પાસવાને 15 એપ્રિલ, 2020ના રોજ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ખાદ્યાન્ન મંત્રીઓ સાથે યોજેલી વીડિયો કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેવાય) હેઠળના લક્ષ્યાંકો પૂરાં કરવા માટે અનાજનો પૂરતો જથ્થો આપવામાં આવ્યો છે.
(કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી)
સરકાર દ્વારા APL-1 કાર્ડધારકોને પણ જરૂરી અનાજ, ખાંડ, દાળ વિતરીત કરવાની કરાયેલી વ્યવસ્થા અંતર્ગત નર્મદા જિલ્લા પુરવઠાતંત્ર દ્વારા નર્મદા જિલ્લામાં રાજપીપળાના ભાટવાડા, લીંમડી ચોક શહેરી વિસ્તાર તેમજ ભદામ અને લાછરસ ગામની વાજબી ભાવની દુકાનો સહિત જિલ્લાની 221 વાજબી ભાવની દુકાનો પરથી જિલ્લાની કુલ 25,776 APL-1 કાર્ડધારકોને તા. 17મી એપ્રિલ સુધીમાં રેશનકાર્ડ દિઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ તથા 1 કિલો ચણા/ચણાદાળનાં વિનામૂલ્યે અનાજ વિતરીત કરવામાં આવ્યું હતું.
(રાજપીપળાના શ્રુતિબેન પંચોલી)
રાજપીપળાના લાભાર્થી શ્રુતિબેન પંચોલીએ પીઆઈબીના પ્રતિનિધિને જણાવ્યું હતું કે, “વાજબી ભાવની દુકાનેથી મને 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ મળી છે એટલે મને હવે લૉકડાઉન દરમિયાન કોઇપણ પ્રકારની મુશ્કેલી નહીં પડે તેમજ સરકાર તરફથી આપવામાં આવતું અનાજ પણ સારૂ છે, હું સરકારનો આભાર માનું છું.”
(રાજપીપળાના સુભદ્રાબેન)
રાજપીપળા શહેરી વિસ્તારના લાભાર્થી સુભદ્રાબેને પીઆઈબીના પ્રતિનિઘિને જણાવ્યું હતું કે, “મારી પાસે એપીએલની રેશનકાર્ડ છે, મને અહીં વાજબી ભાવની દુકાનેથી ઘઉં, ચોખા, દાળ અને ખાંડ આપવામાં આવી છે, અહીં જરૂરી વ્યવસ્થા પણ જળવાઈ છે, અમને કોઈ મુશ્કેલી પડી નથી.”
(વાજબી ભાવની દુકાનના સંચાલક દિવ્યેશભાઈ શાહ)
રાજપીપળા ભાટવાડા શહેરી વિસ્તારના વાજબી ભાવના દુકાનના સંચાલક દિવ્યેશભાઇ શાહે જણાવ્યું હતું કે, વાજબી ભાવની દુકાનોએથી APL-1 કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણનો પ્રારંભ કરાયો છે જેમાં 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ તથા 1 કિલો ચણા/ચણાદાળ આપવામાં આવે છે. કોરોનાવાયરસ ન ફેલાય તેના માટે જરૂરી સોશિયલ ડિસટ્ન્સ પણ જળવાઇ રહે તેની તકેદારી રાખવામાં આવે છે અને દરેક કાર્ડધારક અહીં આવે સેનિટાઇઝેશન દ્વારા હાથ સાફ કરવામાં આવે છે. સરકાર તરફથી પુરતા પ્રમાણમાં જથ્થો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.