લૉક્ડાઉનના સમયમાં દેશના ગરીબ પરિવારો માટે જનધન ખાતુ જીવનદાન ખાતુ બની રહ્યું છે. સમગ્ર વિશ્વ જ્યારે કોરોના સામે જંગ લડી રહ્યું છે ત્યારે ગરીબ લોકો માત્ર કોરોના સામે જ નહીં પરંતુ તેમના જીવનનો જંગ પણ લડી રહ્યાં છે. કોરોનાથી બચવાનો એકમાત્ર ઉપાય સોશિયલ ડિસ્ટન્સ છે, માટે જ દેશભરમાં લૉકડાઉન આવશ્યક છે, આ પરિસ્થિતિમાં દેશનો એક બહુ મોટો વર્ગ કે જે આર્થિક રીતે પછાત છે તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે વિકટ સમસ્યામાંથી પસાર થઇ રહ્યો છે. જેને સમસ્યામાંથી ઉગરવા માટે સાથ મળ્યો છે ભારત સરકારનો. સરકારી બેંકમાં જનધન ખાતુ ખોલાવવાની પહેલને સાથ આપી જેમણે સરકાર પર વિશ્વાસ મુક્યો તેવી જનધન ખાતા ધારક મહિલાઓનો વિશ્વાસ સાર્થક ઠર્યો છે. કેન્દ્રીય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે જાહેર કરેલા 1.70 લાખ કરોડના પેકેજ હેઠળ દેશની જનધન ખાતાધારક મહિલાઓના ખાતામાં સતત ત્રણ મહિના સુધી રૂ. 500/- સહાય પેટે આપવાનો નિર્ણય કરાયો અને હવે તેના પ્રથમ હપ્તાની ચૂકવણી પણ થઇ રહી છે. ત્યારે ખાલી હાથમાં આવેલી આ રકમને લઇને કોઇક સરકારનો ખોબો ભરીને આભાર માની રહ્યું છે તો કોઇક હાથ ઉંચા કરી આશીર્વાદ પાઠવી રહ્યું છે.
(લુણીધાર ગામના જનધાન ખાતા ધારક સુમલબેન દાનભાઈ ચાવડા)
આવી જ એક વાત છે અમરેલી જિલ્લાના કુકાવાવ-વડિયા તાલુકાના લુણીધાર ગામના સુમલબેન દાનભાઇ ચાવડાની. સુમલબેનની ઉંમર 85 વર્ષ છે. એક જ દિકરો છે જે ખેતમજૂરી કરે છે. હાલ તેનું કામ બંધ છે એટલે ઘરની આવક બંધ છે. સુમલબેનને મળેલી આ રકમ એ માત્ર એક સરકારી સહાય નહીં પરંતુ એક વૃદ્ધ માતાની સંભાળ માટે થયેલ નિસ્વાર્થ મદદ સમાન છે. માટે જ સુમલબેન આ સહાયની રકમ પ્રાપ્ત થતાં જ સરકારનો આભાર માનવાની સાથે આશીર્વાદ પણ પાઠવી રહ્યાં છે.
(ઉજળા ગામના જનધન ખાતા ધારક કુલસમબેન રહીમભાઈ રસાલિયા)
અમરેલી જિલ્લાના જ કુકાવાવ-વડિયા તાલુકાના મોટા ઉજળા ગામના રહેવાસી કુલસમબેન રહીમભાઇ રસાલિયાને પણ આ સહાયનો લાભ પ્રાપ્ત થયો છે. કુલસમબેને પી.આઇ.બી.ના પ્રતિનિધિને જણાવ્યું કે “આ રૂપિયા હાલના કપરા સંજોગોમાં મદદનું મોટું ભાથુ બનીને આવ્યાં છે. જનધન ખાતામાં જમા થયેલા 500 રૂપિયા મારા અને મારા પરિવારના ગુજરાન ચલાવવા માટે કોઇ નાની રકમ નહીં પરંતુ નિરાધારના આધાર સમાન છે.”
(સુરગપરા ગામના જનધન ખાતા ધારક રમાબેન જાદવ)
જિલ્લાના સુરગપરા ગામના રમાબેન જદવના પતિ અને દિકરો છૂટક મજૂરીનું કામ કરી ઘર ચલાવે છે પણ હાલ મજૂરી કામ મળતું ન હોવાથી પરિવાર મૂશ્કેલીનો સામનો કરી રહ્યો હતો. એ જ સમયે રમાબેનના જનધન ખાતામાં રૂપિયા ૫૦૦ જમા થતાં પરિવારની મૂશ્કેલી હળવી થઇ છે.
અમરેલી જિલ્લાની જેમ જ સમગ્ર ગુજરાતની જનધન ખાતુ ધરાવતી ગરીબ મહિલાઓ ખૂશ છે. દેશભરની 20 કરોડ 40 લાખ જનધન ખાતાધારક મહિલાઓને ત્રણ મહિના સુધી રૂપિયા 500 મળશે.