કોવિડ-19 સામેની લડાઇ માટે સરકારી અને બિન સરકારી બંને ક્ષેત્રોમાં વધતી માંગને ધ્યાનમાં રાખીને સ્થાનિક ઉદ્યોગોએ તેમની ઉત્પાદન ક્ષમતા વધારવાની જરૂર છે. આ સંદર્ભે સોસાયટી ઓફ ઇન્ડિયન ડિફેન્સ મેન્યુફેક્ચરર્સ (SDIM) દ્વારા DRDOના સહયોગથી આજે એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સંરક્ષણ સંશોધન વિભાગ (DD R&D)ના સચિવ અને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના ચેરમેન ડૉ. જી. સતીષ રેડ્ડીના નેતૃત્વમાં આ વેબિનાર યોજાયો હતો અને અન્ય હિતધારકો તેમાં ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ. રેડ્ડીએ સંપૂર્ણ સત્રમાં સંબોધન કર્યું હતું અને આ મહામારી સામેની લડાઇમાં રાષ્ટ્રીય હિતમાં સહકાર આપવા માટે કોવિડ-19 સંબંધિત તબીબી ઉપકરણોના ઉત્પાદનો તૈયાર કરવા ઉદ્યોગ જગત આગળ આવ્યું તે પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે PPE માટે DRDOની ડિઝાઇન વિશે માહિતી આપી હતી અને ખાતરી આપી હતી કે, આ અંગેની સંપૂર્ણ માહિતી જે ઉદ્યોગો ઇચ્છશે તેમને આપવામાં આવશે. તેમણે વધુમાં ઉલ્લેખ કર્યો હતો કે, PPEના કાપડનો ફરી ઉપયોગ કરી શકાય તે માટે R&D પ્રયાસો હાલમાં ચાલી રહ્યા છે. વેન્ટિલેટર્સ, ઓક્સિજન સિલિન્ડર, ગોગલ્સ, પરીક્ષણ કીટ્સ, સ્વેબ્સ અને વાયરલ ટ્રાન્સપોર્ટ મીડિયમ (VTM)ના મહત્વપૂર્ણ ઘટકોના સ્વદેશમાં ઉત્પાદન માટે પણ ગંભીરતાથી પ્રયાસો ચાલી રહ્યા છે.
DD R&Dના સચિવે જણાવ્યું હતું કે, DRDO હાલમાં અંદાજે 15-20 ઉત્પાદનો તૈયાર કરી રહ્યું છે. તેમણે UV સેનિટાઇઝેશન બોક્સ, હાથમાં રાખી શકાય તેવા UV ઉપકરણો, COVSACK (કોવિડ નમૂના એકત્રીકરણ કિઓક્સ), પગથી સંચાલિત ફ્યુમિગેશન ઉપકરણ, સ્પર્શમુક્ત સેનિટાઇઝર અને કોવિડ-19 સામે રક્ષણ માટે ફેસ શિલ્ડ જેવા તાજેતરમાં તૈયાર કરાયેલા ઉત્પાદનો વિશે માહિતી આપી હતી.
આ સત્ર દરમિયાન ઉદ્યોગ દ્વારા કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેમાં સામગ્રી, સ્રોત, પરીક્ષણ, સીલન્ટ્સ અને DRDO દ્વારા તૈયાર કરાયેલા નવા ઉત્પાદનો વિશે પ્રશ્નો હતા. આ તમામ પ્રશ્નોના જવાબ DRDOની પેનલ, દક્ષિણ ભારત ટેક્સટાઇલ સંશોધન સંગઠન (SITRA) અને અન્ય સંગઠનોના નિષ્ણાતોએ આપ્યા હતા. આ ઉપકરણોના ઉત્પાદન માટે તમામ ટેકનિકલ વિગતો DRDO પાસેથી વિનામૂલ્યે ઉદ્યોગોને ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
તેમણે આશા વ્યક્ત કરી હતી કે, વેબિનારમાં ભાગ લેનારા તમામ સહભાગીઓને પૂર્ણ સફળતા મળશે અને ખાતરી આપી હતી કે, DRDO અને ઉદ્યોગો વચ્ચેની ટેકનિકલ ભાગીદારી કટોકટીના આ સમયમાં વધુ મજબૂત થશે.