“મૃત્યુની વચ્ચે જીંદગી છવાયેલી રહે છે, અસત્યની વચ્ચે સત્ય છવાય છે અને અંધારા વચ્ચે પ્રકાશ છવાઈ જતો હોય છે.”
- મહાત્મા ગાંધી
લંડનના પ્રસિધ્ધ કીંગ્સલે હૉલ ખાતે ઓકટોબર, 1931માં આપેલા પ્રવચનમાંથી
ગાંધીજીના આ શબ્દો ટાંકીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના ગવર્નર શ્રી શક્તિકાંત દાસે તેમનું નિવેદન આપવાનો પ્રારંભ કર્યો હતો. આ નિવેદન મારફતે તેમણે ડગમગતા ભારતીય અર્થતંત્રને પુનર્જીવીત કરવા નવ પગલાંના સંપુટની જાહેરાત કરી હતી. અગાઉ રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ તા.27 માર્ચ, 2020ના રોજ જાહેર કરેલાં વિવિધ પગલાંને અનુસરીને આ પગલાં જાહેર કરવામાં આવ્યાં છે. ઓનલાઈન સંબોધન કરતાં ગવર્નરે જણાવ્યું હતું કે “વિશ્વને તેની ઘાતક નાગચૂડમાં ફસાવનાર” કોરોના વાયરસ મહામારીમાંથી પાર ઉતરવા માટે માનવ મિજાજ સક્રિય થયો છે.
રિઝર્વ બેંકના ગવર્નરે જણાવ્યુ હતું કે જે વધારાના પગલાં લેવામાં આવ્યા છે તેનો ઉદ્દેશ નીચે મુજબ છેઃ
- કોરોના વાયરસને કારણે જે વિપરીત સ્થિતિ ઉભી થઈ છે તેમાંથી સિસ્ટમ અને તેના ઘટકોમાં પૂરતી પ્રવાહિતા લાવવી.
- બેંકોના ધિરાણ પ્રવાહમાં સુગમતા લાવી તેને પ્રોત્સાહિત કરવું.
- નાણાંકિય ખેંચમાં ઘટાડો કરવો, અને
- બજારોને સામાન્ય કામગીરી કરતા કરવા.
ગવર્નરે તેમના પ્રવચનમાં જણાવ્યું હતું. કે મહામારીને કારણે જે મોટો પડકાર થયો છે તેને હલ કરવા માટે મધ્યસ્થ બેંક તેના તમામ સાધનોનો ઉપયોગ કરશે. તેમણે કહ્યું હતું કે વ્યાપક ઉદ્દેશ તમામ સહયોગીઓ માટે નાણાંને વહેતા રાખવામાં સહાય કરવાનો તથા તેની ખાત્રી રાખવાનો છે. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે સાથે મળીને આપણે રાષ્ટ્રને બેઠું કરીશું અને ટકાવી રાખીશું.
પ્રવાહિતા વ્યવસ્થાપન
- લાંબા ગાળાના લક્ષિત પગલાં 2.0 (TLTRO 2.0)
બીજા તબક્કાના લક્ષિત પગલાંમાં રૂ.50 હજાર કરોડની એકંદર રકમનો સમાવેશ થશે. આ પગલું નૉન બેંકીંગ ફાયનાન્સ કંપનીઓ અને માઈક્રો ફાયનાન્સ ઈન્સ્ટીટ્યુશ સહિત નાના અને મધ્યમ કદની કંપનીઓ તે જેમને કોરોના વાયરસને કારણે અવરોધો ઉભા થવાને કારણે માઠી અસર થઈ છે તેમના માટે નાણાંનો પ્રવાહ સરળ બનાવવા માટે કરવામાં આવ્યો છે. TLTRO 2.0 નો ઉપયોગ ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડનાં બોન્ડઝ, કોમર્શિયલ પેપર અને નૉન બેંકીંગ ફાયનાન્સિયલ કંપનીઓના નૉન- કન્વર્ટેબલ ડિબેન્ચરમાં મૂડી રોકાણ માટે કરવામાં આવશે. આ રીતે કુલ રકમના ઓછામાં ઓછા 50 ટકા નાના અને મધ્ય કદની નૉન બેંકીંગ ફાયનાન્સીંગ કંપનીઓ અને માઈક્રો ફાયનાન્સ સંસ્થાઓને મળશે.
- ઑલ ઈન્ડિયા ફાયનાન્સિયલ ઈન્સ્ટીટ્યુશન્સને રિફાનાન્સીંગની સગવડ
નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ), સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (સીડબી) અને નેશનલ હાઉસિંગ બેંક (એનએચબી) ને કુલ રૂ.50 હજાર કરોડની સ્પેશ્યલ રિફાયનાન્સ સુવિધા પૂરી પાડવામાં આવશે, કે જેથી તે વિવિધ ક્ષેત્રના ધિરાણની જરૂરિયાતોને પહોંચી વળી શકે. આ રકમમાં રૂ.25 હજાર કરોડ નાબાર્ડ માટે છે, જે પ્રાદેશિક ગ્રામીણ બેંકો, સહકારી બેંકો અને માઈક્રો ફાયનાન્સ ઈન્સ્ટીટ્યુશનને રિફાયનાન્સ માટે વપરાશે. રૂ.15 હજાર કરોડ સીડબીને ધિરાણ/ રિફાયનાન્સ માટે તથા રૂ.10 હજાર કરોડ નેશનલ હાઉસિંગ બેંક, હાઉસિંગ ફાયનાન્સ કંપનીઓને ટેકો આપવા માટે ઉપયોગમાં લેશે.
કોરોના વાયરસને કારણે ઉભી થયેલી મુશ્કેલ પરિસ્થિતિના સંદર્ભમાં નાણાં સંસ્થાઓ બજારમાંથી નાણાં એકત્ર કરવામાં મુશ્કેલી અનુભવી રહી હોવાથી આ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. ગવર્નરે જણાવ્યું હતું કે આ સુવિધા માટેના એડવાન્સમાં રિઝર્વ બેંકના પોલિસી રેપો રેટ મુજબ નાણાં ચૂકવતી વખતે ચાર્જ લેવામાં આવશે, જેથી તે તેમની પાસેથી ધિરાણ લેનારને પોસાય તેવા દરે નાણાં આપી શકે.
- લિક્વીડીટી એડજેસ્ટમેન્ટ ફેસીલિટી હેઠળ રિવર્સ રેપોરેટમાં ઘટાડો
રિવર્સ રેપો રેટમાં 25 બેસીસ પોઈન્ટનો ઘટાડો કરીને તાત્કાલિક અસરથી 4.4 ટકાથી 3.75 ટકા કરવામાં આવ્યો છે, જેથી બેંકો તેમનું વધારાનું ભંડોળ અર્થતંત્રના ઉત્પાદનલક્ષી ક્ષેત્રોમાં રોકાણ અને ધિરાણોમાં ફાળવી શકે.
ગવર્નરે વધુમાં જણાવ્યું હતું કે બેંકીંગ સેક્ટરમાં જે વધારાની લિક્વીડીટી ઉભી થશે તેનાથી સરકારી ખર્ચને જાળવી શકાશે અને રિઝર્વ બેંકે પ્રવાહિતા વધારવાના જે પગલાં લીધા છે તે આ નિર્ણયના ભાગરૂપે લેવામાં આવ્યા છે.
- રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સાધનો અને માર્ગો (Ways and Means) માટે એડવાન્સીસની મર્યાદામાં વધારો
રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને વેઝ એન્ડ મિન્સ એડવાન્સીસની મર્યાદા તા.31 માર્ચ, 2020ના રોજ જાહેર કરવામાં આવી હતી તેમાં વધારો કરીને 60 ટકા કરવામાં આવી છે, જેથી રાજ્યો કોરોના વાયરસની સ્થિતિ હલ કરવામાં બહેતર સુગમતાનો અનુભવ કરી શકે. આ રોગને નિયંત્રિત કરવામાં તથા તેના નિવારણ માટેના પ્રયાસોમાં પણ સહાય થાય અને પોતાના માર્કેટ બોરોઈંગ કાર્યક્રમને બહેતર કરી શકે તેવો પણ ઉદ્દેશ છે.
વેઝ એન્ડ મિન્સ ટેમ્પરરી લોન ફેસિલીટી રાજ્યોને કામચલાઉ ધોરણે નાણાંની આવક અને જાવકમાં જે અસમતોલ પરિસ્થિતિ ઉભી થઈ છે તેમાં સહાય માટે આપવામાં આવી છે. વધારેલી આ મર્યાદા તા.30 સપ્ટેમ્બર, 2020 સુધી ઉપલબ્ધ થશે.
નિયંત્રણલક્ષી પગલાઃ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તા.27 માર્ચ, 2020ના રોજ જાહેર કરેલા પગલાં ઉપરાંત આ બેંકે વધારાના નિયંત્રણલક્ષી પગલાં લીધા છે, જેનાથી કોરોના મહામારીને પગલે દેવાના બોજમાં ઘટાડો થશે.
- એસેટ ક્લાસીફિકેશન
મધ્યસ્થ બેંકે એવો નિર્ણય કર્યો છે કે નૉન પર્ફોર્મીંગ એસેટ અંગે અગ્રણી નાણાં સંસ્થાઓને રિઝર્વ બેંકની તા.27 માર્ચ, 2020ની જાહેરાતથી જે ખાતાઓને ધિરાણ સંસ્થાઓએ મોરેટોરિયમ અથવા ડિફરમેન્ટની સગવડ આપી છે તે તા.1 માર્ચ, 2020ના સ્ટાન્ડર્ડ મુજબ જ રહેશે. આનો અર્થ એ થયો કે આવા ખાતા માટે એસેટનું વર્ગીકરણ તા.1 માર્ચથી 31 મે, 2020 સુધી સ્થિર રહેશે. નૉન બેંકીંગ ફાયનાન્સીંગ કંપનીઓ નિર્ધારિત હિસાબી ધોરણોને કારણે પોતાને ત્યાંથી નાણાં લેનારને રાહત પૂરી પાડી શકશે. એસેટને નૉન-પર્ફોર્મિંગ એસેટ તરીકે વિશ્લેષણ કરવામાં ધ્યાન પર નહીં લેવામાં આવે, એટલે કે 90 દિવસની ગણતરીને ધ્યાનમાં લેવા માટે મોરેટોરિયમના સમયને બાકાત રાખવામાં આવશે.
સમાંતરપણે બેંકોને કહેવામાં આવ્યું છે કે જે ખાતાઓમાં ક્લાસિફિકેશન ઉપર મુજબ સ્થિર રાખવામાં આવ્યું છે તેમના માટે 10 ટકા ઉંચી જોગવાઈ જાળવી રાખવી, જેથી બેંકો પૂરતુ બફર જાળવી શકે.
- રિઝોલ્યુશન ટાઈમ લાઈનનો વિસ્તાર
દબાણ ધરાવતા ખાતાઓ કે જે નૉન પર્ફોર્મીંગ એસેટ બનવાની સંભાવના ધરાવે છે તેમના માટે રિઝોલ્યુશન પ્લાનને અમલમાં મૂકવાનો ગાળો 90 દિવસ માટે લંબાવવામાં આવ્યો છે. હાલમાં શિડ્યુલ કોમર્શિયલ બેંકો અને અન્ય નાણાંકિય સંસ્થાઓએ જો રિઝોલ્યુશન પ્લાન, ડિફોલ્ટની તારીખથી 210 દિવસ સુધી અમલમાં મૂકવામાં આવ્યો ના હોય તો, 20 ટકાની વધારાની જોગવાઈ રાખવાની જરૂરિયાત છે.
- ડિવિડંડની વહેંચણી
એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે શિડ્યુલ કોમર્શિયલ બેંકો અને સહકારી બેંકોએ નાણાંકિય વર્ષ 2019-20ના સંદર્ભમાં પોતાના નફામાંથી ડિવિડંડની વધુ ચૂકવણી કરવી નહીં. બેંકોની નાણાંકિય સ્થિતિને આધારે આ નિર્ણયની નાણાંકિય વર્ષ 2019-20ના બીજા ત્રિમાસિક ગાળાને અંતે સમિક્ષા કરવામાં આવશે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે બેંકો પોતાની મૂડી જાળવી શકે અને તે અર્થતંત્રને ટેકો આપવાની પોતાની ક્ષમતા ટકાવી શકે તથા અનિશ્ચિતતાઓમાં વધારો થાય તેવા વાતાવરણમાં ખોટને પચાવી શકે.
- લિક્વીડીટી કવરેજ ગુણોત્તરની જરૂરિયાતમાં ઘટાડો કરવો
વ્યક્તિગત સંસ્થાઓની પ્રવાહિતાની સ્થિતિમાં સુધારો કરવા માટે શિડ્યુલ કોમર્શિયલ બેંકોની લિક્વીડીટી કવરેજ રેસિયોની જરૂરિયાતમાં ઘટાડો કરીને તેને તાત્કાલિક અસરથી 100 ટકાથી 80 ટકા સુધી લઈ જવામાં આવી છે. આ પગલાંને કારણે બે તબક્કામાં પરિસ્થિતિ પુનઃસ્થાપિત થશે. 90 ટકાનો તબક્કો 1 ઓક્ટોબર, 2020 સુધી અને 100 ટકાનો તબક્કો એપ્રિલ 2021 સુધીનો છે.
- કોમર્શિયલ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટસને એનબીએફસીના ધિરાણો
નૉન બેંકીંગ ફાયનાન્સ કંપનીઓ અને રિયલ એસ્ટેટ સેક્ટર, બંનેને રાહત પૂરી પાડવા માટે કોમર્શિયલ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટસને વ્યાપારી ધોરણે કામગીરી શરૂ કર્યાની તારીખથી જે માવજત પૂરી પાડવામાં આવી છે તે એનબીએફસી માટે પણ લંબાવવામાં આવી છે. હાલની માર્ગરેખાઓ અનુસાર કોમર્શિયલ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટસ કે જેમાં પ્રમોટરોના નિયંત્રણોમાં બહારના કારણોથી વિલંબ થયો હોય તો વ્યાપારી ધોરણે કામકાજ શરૂ થયાની તારીખ (ડીસીસીઓ) થી સામાન્ય રીતે એક વર્ષ માટે રાહત લંબાવવાની જોગવાઈ છે તે ઉપરાંત વધુ એક વર્ષ માટે આ જોગવાઈ લંબાવવામાં આવી છે.
વર્તમાન આર્થિક પરિસ્થિતિની સમીક્ષા કરતાં ગવર્નરે માહિતી આપી હતી કે મેક્રો ઈકોનોમિક અને ફાયનાન્સિયલ ચિત્ર કથળ્યું છે, પરંતુ કેટલાક ક્ષેત્રોમાં હિંમતભર્યા પગલાંને કારણે હજુ પણ ઉજાસની આશા છે.
ઈન્ટરનેશનલ મોનિટરી ફંડના વર્ષ 2020ના વૈશ્વિક વૃધ્ધિના અંદાજો મુજબ વિશ્વનું અર્થતંત્ર અત્યંત ખરાબ મંદીમાં સપડાશે, જે અગાઉની મોટી મંદી કરતાં પણ વિપરીત સ્થિતિ ઉભી કરશે. આ સંજોગોમાં ભારતનો સમાવેશ એવા થોડાંક દેશોમાં થાય છે કે જેણે (1.9 ટકાનો) હકારાત્મક વૃધ્ધિ દર ટકાવી રાખવાનો અંદાજ મૂક્યો છે. જી-20 દેશોના અર્થતંત્રોમાં આ સૌથી ઉંચો વૃધ્ધિ દર છે તેવી તેમણે નોંધ લીધી હતી.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કરેલી જાહેરાતોનો ઉલ્લેખ કરીને પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે જે પગલાં લેવાની જાહેરાત કરાઈ છે તેનાથી પ્રવાહિતામાં ભારે વધારો થશે અને ધિરાણ પૂરવઠામાં સુધારો થશે. તેમણે જણાવ્યું હતું કે આ પગલાંને કારણે તમામ રાજ્યોના નાના બિઝનેસ, એમએસએમઈ, ખેડૂતો અને ગરીબોને ડબલ્યુએમએ મર્યાદામાં વધારો કરવાના કારણે સહાય થશે.