દમણ ઔદ્યોગિક ક્ષેત્રમાં કામ કરતા દેવીપ્રસાદ યાદવે પીઆઈબીના પ્રતિનિધિ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “કોરોનાને કારણે સરકારે લૉકડાઉન લાગુ કર્યું છે, ત્યારે અમારા માટે સરકારે વિચાર્યુ અને આ વ્યવસ્થા કરી આપી તો હવે અમે લૉકડાઉનના સમયમાં પણ અમારુ ગુજરાન ચલાવી શકીશું, મને અહીંથી ચોખા, તુવેરદાળ, તેલ, ગોળ અને મીઠુ વગેરે મળ્યું છે, આ માટે અમે સરકારના આભારી છીએ.”
દીવ-દમણ અને દાદરા નગર હવેલીના ઔદ્યોગિક ક્ષેત્રમાં 5000થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે અને આ ઔદ્યોગિક એકમોમાં દેશના વિભિન્ન રાજ્યોમાંથી આવેલા આશરે બે લાખ જેટલા પ્રવાસી શ્રમિકો કામ કરી રહ્યાં છે. આ શ્રમિકોને લૉકડાઉન દરમિયાન ઘરે જ રહીને વેતન મેળવી રહ્યાં છે તેમજ સ્થાનિક પ્રશાસન દ્વારા તેમની દૈનિક જરૂરીયાતો પુરી કરવામાં આવે છે આથી આ શ્રમિકોએ વતન પરત જવાને બદલે અહીં જ રહેવાનું પસંદ કર્યું છે.
ડેપ્યુટી કલેક્ટર અપૂર્વ શર્મા દ્વારા માહિતી આપવામાં આવી હતી કે પ્રશાસક શ્રી પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ દાદરા અને નગર હવેલી ઔદ્યોગિક ક્ષેત્રના કુલ શ્રમિકો પૈકી 75 ટકા શ્રમિકોને તેમનું વેતન મળી ગયું છે, બાકીના શ્રમિકોનું વેતન પ્રકિયા હેઠળ છે. આ ઉપરાંત ઔદ્યોગિક ચાલીમાં રહેતા એવા શ્રમિકો કે જેમની પાસે રાશનકાર્ડ નથી એમને સીએસઆર પ્રવૃત્તિ હેઠળ એક કીટ આપવામાં આવે છે જેમા 15 દિવસ સુધીનું કરિયાણું સામેલ હોય છે, તેમજ હેન્ડ સેનિટાઈઝર પણ આપવામાં આવે છે.
ડેપ્યુટી કલેક્ટરે જણાવ્યું હતું કે જે શ્રમિકોના બાળકો સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે એમને મધ્યાહન ભોજનની જગ્યાએ કરિયાણાના સામાનની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ એવા મજુરો કે જે દહાડી કે રોજેરોજનું મજુરી કામ કરતા હોય છે તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે આવા આશરે 2000 શ્રમિકોને રોજ રાંધેલુ ભોજન પિરસવામાં આવે છે, આ વ્યવસ્થા માટે એક ખાસ કન્ટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે, ત્યા કોલ કરીને ભોજન મેળવવા માટે વિનંતી કરી શકાય છે અને ઘરે બેઠા જ ભોજન મેળવી શકાય છે.
દાદરા-નગર હવેલી અને દીવ-દમણની બધી જ ઔદ્યોગિક કોલોનીઓમાં મેડીકલ ટીમ દ્વારા ત્રણ વાર સર્વે કરવામાં આવ્યો હતો, જ્યાં કોઈ વૃદ્ધ કે બિમાર વ્યક્તિની માહિતી મળી હોય તેમના માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, ઉપરંત આ ચાલી વિસ્તારને અગ્નિશામક દળ દ્વારા દરરોજ સેનિટાઈઝ પણ કરવામાં આવે છે, આ બધા પગલાઓને કારણે દમણ દીવમાં હજુ સુધી એક પણ કોવિડ-19નો પોઝિટીવ કેસ આવ્યો નથી.
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ-દમણ અને દાદરા-નગર હવેલીના ઔદ્યોગિક એકમોમાં ઉત્તરપ્રદેશન સહિત દેશના અનેક રાજ્યોમાંથી આવેલા શ્રમિકો કામ કરી રહ્યાં છે. કોવિડ-19 લૉકડાઉનને લીધે આ ઔદ્યોગિક એકમો બંધ છે ત્યારે આ શ્રમિકો માટે સ્થાનિક પ્રશાસન દ્વારા વિનામુલ્યે સેનિટાઈઝર, કરિયાણાના સામાનની કિટ, શાળામાં મધ્યાહન ભોજનના બદલે રાશનની વ્યવસ્થા કરી આપી છે જેથી આ શ્રમિકોએ પોતાના વતનમાં જવાને બદલે અહીં જ રહેવાનું પસંદ કર્યું છે અને તેઓ દેશવ્યાપી લૉકડાઉનનું યોગ્ય પાલન કરી કોરોનાવાયરસ સામેની લડાઈમાં સરકારને મદદરૂપ થઇ રહ્યાં છે.