શાસ્ત્રોમાં દર્શાવાયું છે કે સ્ત્રીયોની એ પાપયોની છે. કર્મના સિદ્ધાંત અનુસાર દરેક જીવને તેના સારા કે નરસા કાર્યો બદલ જુદી-જુદી યોની કે શરીર મળે છે. ખરાબ કર્મો કે પાપ કર્મોની સજા નર્ક છે એટલે કે નારકી જીવનું શરીર મળે અને તે યોની સાથે જોડાયેલ તકલીફો જીવે જીવનપર્યંત ભોગવવી પડે. એ રીતે સ્ત્રીયોની એ પાપ યોની છે. સામાન્ય રીતે પાપ યોનિમાં વધુ દુઃખો સહન કરવા પડે, વળી તમારી દયા પણ ખાસ કોઈને આવે નહીં જેથી પીડા કે માનસિક દુઃખોમાં વધારો થાય.
એક human-being તરીકે માત્ર શરીર સ્ત્રીનું હોવાને કારણે સ્ત્રીઓને કયા દુઃખો ભોગવવા પડે છે એની વાત કરીએ તો
૧) જન્મતાની સાથે કુટુંબની નારાજગી કે અલ્પમાત્રામાં ખુશી કેમ કે આપણા સમાજમાં દીકરાના જન્મ જેટલી ખુશી દીકરીના જન્મ પર કુટુંબ કે સમાજને થતી નથી. (દોષ માત્ર એક શરીરનો કે યોનીનો)
2) ત્યારબાદ લાલન-પાલનમાં સતત એક દેખીતો તફાવત. આપણને કદાચ થાય આવું તો હવે ભણેલા-ગણેલા પરિવારોમાં ઓછું જોવા મળે છે પરંતુ શિક્ષિત અને મોર્ડન પરિવારમાં પણ ઘરના લગભગ બધા જ કાર્યો સ્ત્રી દ્વારા એટલે કે મા, બેન કે દીકરી દ્વારા જ કરવાનો રિવાજ છે એવું શા માટે?
ઘરમાં રહે બધા, ખાય-પીવે બધા, ઘર ગંદુ તમામ દ્વારા થાય પરંતુ ઘર સાફસફાઈ કે અન્ય કાર્ય માત્રને માત્ર સ્ત્રીઓના ભાગે આવે. નરી આંખે જોઈ શકાય તેવી અસમાનતા છે કારણ શું માત્ર એક વિશિષ્ટ યોની જે સ્ત્રીની છે. વળી સ્ત્રી દ્વારા થતા કોઈપણ કાર્યોનું મહત્વ કુટુંબ કે સમાજમાં હોતું નથી એ એક કરુણતા છે એટલે કે સ્ત્રીઓનું તમામ કામ જાણે thankless job છે. કદાચ એ ખૂબ ઉત્તમ કાર્યો કરતી હોય જેમ કે બાળકોને જન્મ આપવાથી માંડી સંસ્કાર આપવા સુધીના તમામ કાર્યો, છતાં કદર ઝીરો, ઊલટાનું જો કોઈ ચૂક થઈ જાય તો જાણે કોઈ ગંભીર ગુનો થયો હોય તેમ બધા એના પર તૂટી પડે. બાળકો સંસ્કારી બને તો ક્રેડિટ પિતાને ફાળે પરંતુ જો કોઈ કમી રહી જાય તો બધો દોષનો ટોપલો માના માથે આવે કે માએ કોઈ સંસ્કાર આપ્યા નથી. આજના મોર્ડન જમાનામાં દરેક યુવકને યુવતી ભણેલી અને કમાતી જોઈએ પરંતુ તે ભણેલી અને કમાતી છોકરી પોતાની સમજ પ્રમાણે સલાહ આપવાની કોશિશ કરે કે કુટુંબના સભ્યોની ખરાબ આદત સુધારવાનો પ્રયત્ન કરે અથવા ઘરની ચોખ્ખાઈ, આરોગ્ય જાળવણી જેવી મહત્વની સલાહ આપે તે કોઈને મંજૂર હોતું નથી.
સમાજમાં દેખાડવા માટે ભણેલી અને કમાતી વહુ જોઈએ, જે ઘરમાં ગુલામની જેમ પતિ અને સાસુના કહ્યામાં રહે, બધાને ખુશ રાખે, ચૂપચાપ કોઈ ફરિયાદ વગર ઘરના સભ્યોની જરૂરિયાતો પૂરી કરે અને પોતાની તમામ ઈચ્છાઓને મારીને જીવે તો વાંધો નહિ પરંતુ પોતાની ઈચ્છા પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરે જે કદાચ કુટુંબની પસંદગીથી જુદું હોઈ શકે તો ઘરનું વાતાવરણ અશાંત બને જેની પીડા પણ સ્ત્રીએ જ ભોગવવી પડે. સાસુ-સસરાની સેવા (એટલે કે પતિના માતાપિતાની સેવા) કરવાની જવાબદારી દીકરાની નહિ પરંતુ વહુની એ ક્યાંનો ન્યાય? પરંતુ યુગોથી એવું થતું આવ્યું છે અને થવું જોઈએ. હજુ વાત પૂરી થતી નથી, સ્ત્રી અને પુરુષ બંને જ્યારે એક થઈ સંભોગનું સુખ ભોગવે અને જો ગર્ભાધાન થાય તો બાળકને રાખવું કે એબોટ કરવું એનો નિર્ણય પણ સ્ત્રી પોતે ન લઈ શકે. જે નિર્ણય તેના પતિ કે સાસુ દ્વારા લેવામાં આવે. જો સ્ત્રી ભણેલી-ગણેલી અને કમાતી હોય કે એનો કોઈ સ્વતંત્ર નિર્ણય હોય તોપણ મેન્ટલ ટોર્ચરિંગ તો સહન કરવું જ પડે.
પોતાના શરીર સાથે શું કરવું તે અંગેનો નિર્ણય લેવાની સ્વતંત્રતા કે અધિકાર પણ તેને નહીં. કદાચ માથાભારે થઈને જો નિર્ણય લઇ લે તો પણ કોઈના કહ્યામાં રહી નથી, પિયરમાંથી સારા સંસ્કાર લઈને આવી જ નથી, વગેરે મેંણાટોણા સહન કરવા પડે. આમ શારીરિક પીડા ઉપરાંત માનસિક પીડા પણ એણે સતત સહન કરવાની. સમગ્ર જીવન દરમિયાન અનેકવાર ઈચ્છા વિરુદ્ધ ગર્ભાધાન,પ્રસુતિ,abortion જેવી પીડામાંથી પસાર તો થવાનું જ કેમ કે તે શરીર કે યોની સાથે જોડાયેલ દુઃખો છે. સંભોગનું સુખ સ્ત્રી અને પુરુષ બંને દ્વારા ભોગવાય પરંતુ એની સાથે જોડાયેલી તમામ પીડાઓં માત્ર સ્ત્રીના ભાગે આવે કેમકે સ્ત્રીયોની એ પાપીઓની છે. આધુનિક યુગમાં પતિ અને પત્ની બંને કમાતા હોય છે છતાં ઘરે આવીને બધી જ જવાબદારી માત્ર પત્નીના ભાગે આવે અને પતિ રાજાશાહી ઠાઠથી આરામ કરે. ઘર અને બહારના તમામ પ્રકારની જવાબદારીથી થાકીને ચૂર થઈ ગયેલી સ્ત્રી રાત્રે જો પતિને શારીરિક સુખ ન આપી શકે તો પતિ તેને કઠોર વેણ સંભળાવે કે લગ્ન શા માટે કર્યા?
હું મારી જરૂરિયાત સંતોષવા ક્યાં જવ? મને લાગે છે કે મારે એકસ્ટ્રામેરિટલ અફેર કરવો જોઈએ. સ્ત્રી બિચારી કાં તો સમર્પણ કરે અથવા બહિષ્કાર કરે પરંતુ બંને પરિસ્થિતિમાં દુઃખી તો તે જ રહે. ઈશ્વરે પણ તમામ તકલીફો સ્ત્રીઓના નસીબમાં જ લખી છે કેમકે પૂર્વજન્મના અનેક પાપોની સજારૂપે જ તો સ્ત્રીયોની મળે છે. ટૂંકમાં જે દુઃખોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ તે દરેક બાબતમાં ઈશ્વરનો, સમાજનો, કુટુંબનો કોઈ વાંક કે દુઃખી કરવાનો ઇરાદો ન હોવા છતાં પરંપરાગત સમજણ અને સામાજિક વાતાવરણ જ સ્ત્રીઓની પીડાનું કારણ છે. ઘરમાં જો સ્ત્રી માંદી પડે તો સમગ્ર કુટુંબની દૈનિક ક્રિયાઓ ખોરંભે પડી જાય કારણ કે લગભગ દરેક કાર્યો તેના દ્વારા જ થતા હોય છે કુટુંબનો અન્ય સભ્ય બીમાર પડે તો સ્ત્રી સેવા કરે પરંતુ સ્ત્રી બીમાર પડે તો લોકો કંટાળી જાય કે હવે ઊભી થાય તો સારું. છોકરો અને વહુ બંને નોકરી કરીને આવે તો સાસુ દીકરાની ખૂબ દયા ખાય કે બિચારો થાકી ગયો હશે નોકરી કરવી કઈ નાનીસુની વાત થોડી છે?
પરંતુ એ જ તર્ક વહુને લાગુ ન પડે. આધુનિક સમયે સ્ત્રીઓ પોતાની સ્વતંત્રતા અને ઇચ્છાને મહત્વ આપવા માંડી છે કેમકે તેને સમજાઈ ગયું છે કે જો હું મારું ધ્યાન નહીં રાખુ તો બીજું કોઈ રાખે તેમ નથી. હું મારા શોખ પૂરા નહીં કરું તો મારી પસંદગી કે શોખપૂર્તિની કોઈને પડી નથી. પરંતુ આવા પરિવર્તનને સમાજ સ્વીકારતો નથી, તે વધુનેવધુ સ્ત્રીઓની ટીકા કરતો જાય છે જે લાગણીશીલ હોવાને કારણે સ્ત્રીઓથી સહનથઇ શકાતું નથી. પુરુષો પોતાની ઈચ્છા પ્રમાણે ખુશ રહે તેમા સમાજને કોઈ તકલીફ નથી પરંતુ એ જ સ્વતંત્રતા જો એક મનુષ્ય તરીકે સ્ત્રી ભોગવે તો તેને યોગ્ય માનવામાં આવતું નથી. હવે કહો આ યોનિને પાપીયોની ન કહીએ તો બીજું શું કહીએ? પાપયોની ના પરિણામો શું હોઈ શકે? ૧) સતત અન્યાય અને અસમાનતા સહન કરવી જે સ્ત્રી જન્મથી જ કરે છે. 2) એને જન્મથી મરણ સુધી કોઈ સ્વતંત્રતા ન મળે અને જો તે સ્વતંત્રતા છીનવવા જાય તો અપશબ્દ સહન કરવા પડે. 3) તે કોઈના માટે ગમે તેટલું કરે કદી કદર થાય નહીં. એ તો એની ફરજ હતી એમાં શું નવાઈ કરી? એવું જ સાંભળવા મળે. આ દુઃખ નહિ તો બીજું શું કહેવાય? થોડી જુદી રીતે જોઈએ તો પાપયોનીવાળી વ્યક્તિઓમાં કષાયો વધુ હોય કેમ કે પૂર્વજન્મમાં થયેલ પાપો ક્યાંકને ક્યાંક જિન્સમાં આવે, જે સ્વભાવ બની આ જન્મમાં હેરાન કરે.
જેમકે વધુ લાગણીશીલ સ્વભાવ( જેથી લાગણીના નામે લોકો શોષણ કરે) લોભી અને કંજૂસવૃત્તિ, બીજા માટે પૈસા વાપરી ન શકે, પતિ- પિતા કે ભાઈને વાપરતા પણ રોકે. મોહમાયા પણ સ્ત્રીઓમાં વધુ હોય, મારા છોકરા-મારો પતિ- મારા મા-બાપ વગેરે વગેરે માટે કંઇ પણ કરી છૂટે અન્ય માટે કરતાં અટકે.ઈર્ષા પણ વધુ અન્યનું સારું જોઈ ન શકે અંદરને અંદર બળે. જલદી કોઈને માફ ન કરી શકે, લગ્ન કર્યા ત્યારથી લઇ આજ સુધી જે કઈ ખરાબ થયું તેનો હિસાબ તેને મોઢે હોય અને સતત એના ગાણા ગાયા કરે,ભૂલી ન શકે અને માફ પણ ન કરી શકે.આવી અનેક સ્વભાવગત મર્યાદા તેની પીડામાં સતત વધારો કરે. આ તમામ દુઃખો પાછળ કારણ માત્ર એક સ્ત્રીયોની. જેમ દરેક જીવનો એક વિશિષ્ટ સ્વભાવ હોય વળી જીવે પોતાની યોની પ્રમાણે દુઃખ ભોગવવું પડે એમ સ્ત્રીએ પણ તેની યોની અને સ્વભાવ સાથે જોડાયેલ દુઃખ ભોગવવા પડે.
પછી દુઃખ આપવામાં નિમિત્ત ઈશ્વર હોય, સમાજ હોય, કુટુંબ હોય કે સંબંધો હોય. ઘણીવાર સ્ત્રીઓ પણ સુખી હોય છે કેમકે દરેક સ્ત્રીના પૂર્વજન્મના કર્મો જુદા-જુદા હોય છે. જેમકે કોઈ પાપકર્મની સજા રૂપે તિર્યંચયોનીમાં કુતરાનો જન્મ લેવો પડે તો આપણે જાણીએ છીએ કે તે ગલીનો રખડું કૂતરો પણ હોઈ શકે અને કરોડપતિના ઘરે તમામ સુખસાહિબી ભોગવતો કૂતરો પણ હોઈ શકે.બંનેના દુઃખોમાં આસમાન-જમીનનો ફર્ક રહેલો છે, એવું જ સ્ત્રીની બાબતમાં પણ શક્ય છે. છતાં યોની સાથે જોડાયેલી પીડા તો ભોગવવી જ પડે. કર્મો સારા હોય તો સ્ત્રીયોની હોવા છતાં થોડું ઓછું ભોગવવું પડે એવું શક્ય છે.