વેકેશનના એ દિવસોમાં અમે અમારા મિત્રો સાથે 22 માળની એક બિલ્ડીંગની અગાસી પર કુદરતને માણી રહ્યા હતા. જ્યાં દરેક પોતાની મસ્તીમાં હતા અથવા કહો કે પ્રસન્ન થવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આમ પણ આપણે સૌ જાણે કે અજાણે સમગ્ર જીવન એક જ તો પ્રયાસ કરતા હોઈએ છીએ પરંતુ પ્રસન્નતા પ્રાપ્ત કરી શકીએ છીએ કે નહીં?
ખબર નહીં. એ દિવસે ટેરેસ પર એક પાંચ વર્ષની બેબી પોતાની જ મસ્તીમાં એકલી પગથિયા રમી રહી હતી અને સમગ્ર દુનિયાથી અજાણ જાણે કે ‘સ્વ’ સાથેનો આનંદ માણી રહી હતી. તેને જોઈને મારા પતિએ મને કહ્યું જો આ દીકરી કેટલી ખુશ છે, ન તો એની પાસે કોઈ રમકડા છે કે ના કોઈ સંગાથ છતા કોઈ ફરિયાદ વગર કલાકો-ના-કલાકો અતિ આનંદમાં રમી રહી છે. જયારે ત્યાં બેઠેલા દરેક પુખ્તવયના, બુદ્ધિશાળી અને પૈસાદાર લોકો જાણે અંગત પીડાઓના સાગરમાં ઝોલા ખાઈ રહ્યા હતા. વાસ્તવમાં દિલની ખુશી અને અમૂલ્ય પ્રસન્નતા ‘સ્વ’ માં જ છે તે અમને માત્ર સમજાયું જ નહિ અનુભવાયુ. વળી થયું કે કહેવાતા બુદ્ધિશાળી, પૈસાદાર અને ભણેલા-ગણેલા લોકો એક બાળક જેટલા સરળ ન હોવાનું કારણ પણ કદાચ તેમની બુદ્ધિ, ભણતર અને સોસાયટી એટીકેટ્સ જ છે. જે તેમને સહજ અને સ્વાભાવિક રહેવા દેતા નથી. તેઓને પણ આ જ રીતે જીવવું હોય છે પરંતુ લોકો શું કહેશે? આવું કેવી રીતે થાય?
કદાચ લોકોની નજરમાં આવું ઔડ તો નહિ લાગે ને? વગેરે વગેરે વધારે પડતી સમજણ વ્યક્તિને ખુશ થવા દેતી નથી. મને લાગે છે કે તમામ પીડાઓ પાછળનું કારણ પણ કદાચ આ જ છે. થોડી જ વારમાં એક બીજું બાળક રમતી ખેલતી બેબીને ઓળખતું ન હોવા છતાં તેની સાથે રમવા જોડાઈ ગયું અને એકલી રમતી છોકરીએ ખુબજ પ્રસન્નતા સાથે તેને મિત્ર તરીકે સ્વીકારી લીધું અને વધુ ખુશી સાથે તેઓ બંને રમવા માંડ્યા. એ લોકોને ખુશખુશાલ જોઈ મેં મારા પતિને કહ્યું કે તમને નથી લાગતું આ સહજ પ્રસન્નતા પાછળ બે કારણ જવાબદાર છે એક તો સાચો આનંદ પોતાની એટલે કે સ્વની સાથે જ છે જેથી એકલતાની દરેક પળને નિજ-પળ જાણી, કોઈ અન્યના સંગાથની અપેક્ષા કે એકલતાની ફરિયાદ વગર માણી લેવી જોઈએ અને જેમ એક બાળક માત્ર પેલી રમતી છોકરી સાથે કોઈ સગપણ કે સંબંધ વગર જોડાઈ ગયું તેમ આપણે પણ દરેક સાથે સ્વાભાવિક રીતે જોડાઈ આનંદ માણી શકીએ.
પરંતુ આપણને આપણો અહમ એવું કરતા રોકે છે. આપણે કહેવાતા હોશિયાર લોકો કોઈ બોલાવે, થોડો ભાવ આપે તો જઈએ એમ વિચારતા અને રાહ જોતા પ્રસન્નતાની એ પળને ગુમાવી બેસીએ છીએ. કદાચ અનેક પુસ્તકો કે સત્સંગ જે ન સમજાવી શકે તેવું તત્વજ્ઞાન એ દિવસે મને સમજાઈ ગયું કે ખુશ થવાના આ ત્રણ જ ઉપાયો છે. ૧) પોતાની મસ્તીમાં ‘સ્વ’ સાથે દરેકે દરેક પળને ઈશ્વરનો પ્રસાદ સમજી માણવી. ૨) અન્ય ખુશ અને રમતા-ખેલતા લોકો સાથે સહજતાપૂર્વક અહમનો ત્યાગ કરી જોડાઇ જવું. અને ૩) કોઈ અજાણ્યું તમારી સાથે જોડાવા નજીક આવે ત્યારે બાળકની જેમ સરળતાથી તેને સ્વીકારી એક કરતાં બે ભલા, એ સમજણ સાથે બધુ સાહજિકતાથી માણી લેવું, પરંતુ એક વાતનું ધ્યાન અવશ્ય રાખવું કે જેમ સમયની સમાપ્તિ પર બંને બાળકો ખૂબ સહજતાથી બાય કહી છૂટા પડ્યા તેમ આપણે પણ નવા સંબંધો બાંધવા અને તેને સાચવવાની પળોજણમાં ન પડવું.
મોહ અને આસક્તિની જાળમાં ન ફસાવવું, તેમજ ક્યારેક જે ખુશી સરળતાથી કદાચ ઈશ્વર કૃપાથી મળી ગઈ, તેની ફરી ઇચ્છા અને અપેક્ષા ન રાખવી. ઈશ્વર કોઈને કોઈ રૂપમાં તે આપતો જ રહે છે એટલો ભરોસો રાખવો. માત્ર સહજતાપૂર્વક અહમનો ત્યાગ કરી તેને પ્રસાદરૂપે સ્વીકારી જીવનને માણવા તત્પર રહેવું અને ફરી પાછું આગળ વધવું. મને લાગે છે આવી ઊંડી સમજણ દ્વારા આપણા જીવનને અવિરત એક ઉત્સવ બનતા કોઇ રોકી શકે નહીં. વાત દેખાય છે એવી સહેલી નથી પણ પ્રયત્ન કરવાથી અશક્ય તો કશું જ નથી તે આપણે સૌ સારી રીતે જાણીએ છીએ .તો આવો જીવનની દરેક ક્ષણ આવી ઊંડી સમજણ સાથે માણીએ. મને લાગે છે સૌને આજની ચર્ચાથી એટલું તો અવશ્ય સમજાઈ ગયું હશે કે દુઃખના મુખ્ય કારણોમાં આપણો અહં, સહજતાનો અભાવ, લોકો શું કહેશે તેની ચિંતા અને જે મળ્યું છે તે વારંવાર મેળવવાની ઇચ્છા જ જવાબદાર છે. આ તમામ કારણોથી જો દૂર રહીએ તો આપણને ખૂશ થતા કોણ રોકી શકે?