પૂનમ પછીના દિવસે એક ભિખારી એક સજ્જન શેઠની દુકાને ભીખ માગવા પહોચ્યો ! સજ્જન શેઠે ભિખારીને ૫ રૂપિયા આપ્યા | ભિખારીને તરસ લાગી હતી તેથી તેણે સજ્જન શેઠ પાસે પાણી માંગ્યું અને કહ્યું શેઠ ગળું સુકાય છે પાણી પીવડાવો અને સજ્જન શેઠે પિત્તો ગુમાવી કહ્યું તારા બાપના નોકર બેઠા છે તો અહીંયા પહેલા પૈસા પછી પાણી થોડી વાર પછી ખાવાનું માંગશે. નીકળ અહીંથી ભાગ !
ભિખારી બોલ્યો – શેઠ ગુસ્સે ના થશો પાણી બીજે કયાંક પી લઈશ. પણ મને યાદ છે કે કાલે પૂનમના દિવસે તમારી દુકાન પાસે તમે શરબત ની સેવાનો કેમ્પ લગાવી બેઠા હતા અને તમે પોતે પ્રેમથી આગ્રહપૂર્વક લોકોને શરબત પીવડાવતા હતા મને પણ આપે બે ગ્લાસ શરબત પીવડાવ્યો હતો. તો મે વિચાર્યુ કે શેઠ બહું દયાળુ અને ધાર્મિક માણસ છે પણ આજે મારો એ ભ્રમ તુટી ગયો કાલે શરબતની પરબ લોકોને દેખાડવા માટે કરી હતી આજે મને કડવા વચન કહી તમે તમારું કાલનું પુણ્ય ખોઈ નાખ્યું. મને ક્ષમા કરજો કાંઈ વધારે બોલાઈ ગયું હોય તો…
સજ્જન શેઠ ને લાગી આવ્યું અને ગઈકાલ નું દ્રશ્ય સામે તરવરવા લાગ્યું અને પોતાની ભૂલનો અહેસાસ થયો પોતે ગાદી પરથી ઉતરી પોતાના હાથે ગ્લાસ પાણી ભરી ભિખારીને પીવડાવી ક્ષમા પ્રાર્થના કરવા લાગ્યા.
ભિખારી — શેઠ મને કોઈ ફરીયાદ નથી પણ જો માનવતાને પોતાના મનની ઉંડાણમાં વસાવી ના શકીએ તો એક બે દિવસના પુણ્ય વ્યર્થ છે. માનવતાનો મતલબ હમેશાં સરળતાથી નિરાભિમાની બની જીવોની સેવા કરવી હોય છે. આપને આપની ભૂલનો અહેસાસ થયો તે તમારા અને તમારા સંતાનો માટે સારી વાત છે. આપનું અને આપના સંતાનોનું હમેશાં સ્વાસ્થ્ય સારું દીર્ધાયુ બની રહે તેવી મંગલકામના કરું છું.
કહી ભિખારી આગળ નીકળી ગયો.
શેઠે તરત પોતાના પુત્રોને આદેશ કરી કહ્યું આજથી હમેશાં બે મોટા ઘડા પાણી ભરીને દુકાન આગળ મુકવા જેથી આવવા જવા વાળાને પાણી પીવા મળે. શેઠને પોતાની ભૂલ સુધારવા માટે ખુશી થઈ રહી હતી.
ભાવાર્થ– ફક્ત દેખાડો કરવા માટે કરવામાં આવતા દાનપુણ્યકર્મ નિષ્ફળ ગણાય છે. દરેક પ્રાણી માત્ર માટે તમારા મનમાં શુભકામના શુભભાવ હોય તો જ સાચું પુણ્ય મળે છે. પ્રસંગોપાત સારા બનો છો તેવા સદા બની રહો. હમેશાં સારા બનો તમને સારા જ મળશે.