વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ સામે ચાલી રહેલી લડાઈમાં દેશના તમામ વર્ગને સાથે લેવાના પ્રયાસો જારી રાખ્યા છે. આના ભાગરુપે આજે વડાપ્રધાને દેશની મહાન હસ્તીઓ સાથે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે વાતચીત કરી હતી અને કોરોના વાયરસ પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે અપીલ કરી હતી. વડાપ્રધાને દેશના જે ૪૯ હસ્તીઓ સાથે વાત કરી હતી તેમાં સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી, પીવી સિંધુ, વિશ્વનાથન આનંદ, મેરી કોમ અને બજરંગ પુણિયાનો સમાવેશ થાય છે.
મોદીએ ખેલ હસ્તીઓ સાથે એવા તરીકાઓને લઇને વાતચીત કરી હતી જેના માધ્યમથી દેશના દરેક નાગરિકની અંદર કોરોના વાયરસને લઇને જાગૃકતા જગાવી શકાય છે. તમામ આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા દિશા નિર્દેશો પાળવામાં આવે તેવી અપીલ કરવા આ ખેલ હસ્તીઓને કહેવામાં આવ્યું હતું. વડાપ્રધાને માત્ર ક્રિકેટરો સાથે જ વાત કરી ન હતી બલ્કે જુદી જુદી રમતોના ખેલાડીઓ સાથે વાત કરી હતી.
ખેલાડીઓ જંગી દાન પણ કરી રહ્યા છે. સાથે સાથે સોશિયલ મિડિયાથી લોકોને વાકેફ પણ કરી રહ્યા છે. ભારતીય કેપ્ટન કોહલીએ હાલમાં એક વિડિયો જારી કર્યો હતો જેમાં કોહલી તમામને ઘરમાં જ રહેવા કહી રહ્યો હતો. દેશના નાગરિક તરીકે લોકોને ઘરમાં રહેવા કોહલીએ અપીલ કરી હતી.