છેલ્લા ઘણા સમયથી ચાહકોની થઇ રહેલી માંગણીને ધ્યાનમાં લઇને આખરે હવે ઐતિહાસિક પૌરાણિક સિરિયલ રામાયણને ફરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ચાહકોની આ માંગને ધ્યાનમાં લઇને માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આજે જાહેરાત કરવામાં આવી હતી કે, ૨૮મી માર્ચ ૨૦૨૦થી રામાનંદ સાગરની લોકપ્રિય ટીવી સિરિયલ રામાયણનું દૂરદર્શન પરથી પ્રસારણ કરવામાં આવશે પરંતુ આ પહેલાની જેમ જાદુ જગાવી શકશે કે કેમ તેને લઇને ભારે સસ્પેન્સની સ્થતિ રહેલી છે. લોકડાઉનના કારણે લોકો ઘરમાં છે
પરંતુ રામાયણ અને મહાભારત નિહાળશે કે કેમ તેને લઇને ગેરંટી નથી. પહેલા સ્થતિ અલગ હતી જ્યારે હવે સ્થતિ અલગ છે. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આજે કહ્યું હતું કે, સિરિયલમાં પ્રથમ એપિસોડ સવારે નવ વાગે અને બીજા એપિસોડને રાત્રે નવ વાગે દર્શાવવામાં આવશે. દૂરદર્શન પર સૌથી પહેલા આની શરૂઆત ૨૫મી જાન્યુઆરી ૧૯૮૭ના દિવસે કરવામાં આવી હતી. તે વખતે ટીવી પર આવનાર આ પ્રથમ મેગા સિરિયલ હતી. તે વખતે દૂરદર્શન ભારતમાં ચાલનાર એકમાત્ર ટીવી ચેનલ હતી. હવે સ્થતિ બદલાઈ ગઈ છે. સેંકડો ટીવી ચેનલ બાદ હવે દુનિયા ઇન્ટરનેટ ટીવી અને ઓટીટી પ્લેટફોર્મને પસંદ કરે છે. એ ગાળામાં ભારતના દરેક ઘરમાં ટેલિવિઝનની વ્યવસ્થા ન હતી જ્યારે મહાભારત અને રામાયણનું પ્રસારણ કરાતું હતું ત્યારે સમગ્ર મોહલ્લાના લોકો એ ઘરમાં એકત્રિત થતા હતા જ્યાં ટીવીની વ્યવસ્થા હતી. આ સિરિયલની લોકપ્રિયતા એટલી હદ સુધી વધી હતી કે, પ્રસારણ વેળા માર્ગો ખાલી થઇ જતાં હતા. લોકો ભાવુક પણ બની જતાં હતા.